Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરેલ કોમર્શીયલ કોમ્પ્લેક્ષના બાંધકામને નિયમિત કરવા કેબીનેટની મંજૂરી

ગુજરાત સરકારના પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડાની સફળ રજૂઆત : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનો આભાર વ્યકત કરતા મંત્રી

જુનાગઢ, તા. ર૬ : મોજે જોષીપુરા તા. જુનાગઢ શહેરના સર્વે નં. પ૭/૧પી-૧ની ૮૪પ-૦૦ ચો.મી. જમીન પર જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરેલ કોમર્શીયલ કોમ્પ્લેક્ષના બાંધકામને નિયમિત કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને રજૂઆત કરવામાં આવેલ હતી. જે રજુઆતને ૧૯ જુનના રોજ મળેલ મંત્રીમંડળની બેઠકમાં બહાલી આપવામાં આવેલ હતી.

ઉકત રજુઆત માટે જુનાગઢ મતવિસ્તારના ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડા દ્વારા અનેકો પ્રયાસ કરવામાં આવેલ હતાં જેને મંત્રીના સફળ પ્રયાસોના અંતે ગુજરાત સરકારની મંજુરીની મહોર લાગેલ છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવેલ હતું કે આ નિર્ણયથી જૂનાગઢ વિસ્તારના વિકાસને વધુ વેગ મળશે તેમજ જુનાગઢ મહાનગરપાલિકાની કામગીરી લોકો માટે વધુ સુદૃઢ બનશે અને હજુ પણ જુનાગઢ જિલ્લામાં વધુને વધુ વિકાસને વેગ મળે તે માટે તંત્રીના પ્રયત્નો રહેશે, જેમાં કોઇ કચાસ નહિ રહે તેમ અંતમાં જણાવેલ હતું.

વિશેષમાં આ કાર્યને મંજૂરી મળેલ તે માટે મંત્રીશ્રીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનો આભાર વ્યકત કરેલ છે.

(1:17 pm IST)