Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

સાવરકુંડલાના વાંસીયાળીનુ ખેડૂત દંપતિ બળદગાડા સાથે સુરવો નદીમાં તણાયું: પતિનો બચાવઃ પત્નિની શોધખોળઃ બે બળદના મોત

સાવરકુંડલા, તા. ૨૬ :. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વાંસીયાળી ગામનું ખેડૂત દંપતિ ગઈકાલે બળદગાડા સાથે પૂરમાં તણાતા પત્નિ લાપત્તા થયા છે. જેની આજે બીજા દિવસે પણ ગ્રામજનો અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. જ્યારે પતિનો બચાવ થયો છે અને બે બળદનો પણ ભોગ લેવાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાંસીયાળી ગામે રહેતા ભાવેશભાઈ ઠુંમર અને તેના પત્નિ શોભનાબેન ઠુંમર ગાડામાં બેસીને વાડીએ જઈ રહ્યા હતા  ત્યારે સેલણા ગામેથી પસાર થતી સુરવો નદીમાં બળદગાડા સાથે દંપતિ તણાયુ હતુ.

જેમાં ભાવેશભાઈ ઠુંમરનો બચાવ થયો હતો જયારે તેમના પત્નિ શોભનાબેન ઠુંમર પાણીના પ્રવાહમાં લાપત્તા થતા તંત્ર દોડી ગયુ હતુ અને તેમની શોધખોળ હાથ ધરી છે. આજે બીજા દિવસે પણ લાપત્તા મહિલાનો કોઈ પત્તો લાગ્યો નથી. તંત્ર દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જ્યારે બે બળદના મોત થયા હતા. તેમજ ગાડુ સેલણા ગામની નદીમાંથી મળી આવ્યુ છે.

(1:10 pm IST)