Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

મેંદરડાના જીંઝુવાડાના ભુવાના ધતીંગનો પર્દાફાશ : જાથા દ્વારા ૧૧૮૪ મું ઓપરેશન

છેલ્લા આઠેક વર્ષથી ભુવા સ્થાપવાનું કામ કરતા : મોરબીમાં ભુવાએ મેલીવિદ્યાનો ઉતાર મુકતા ભાંડાફોડ થયો : સીસીટીવીમાં કેદ દ્રશ્યોના આધારે ફસાયા : લોકોના દુઃખ દર્દ મટાડવાનું, જોવાનું ધુણવાનું બધુ જ બંધ કરવાની પોલીસની હાજરીમાં કબુલાત

રાજકોટ તા. ૨૬ : મેંદરડા તાલુકાના જીંઝુવાડા ગામે છેલ્લા આઠેક વર્ષથી ભુવા સ્થાપવાનું અને લોકોના દુઃખદર્દ મટાડવાનું જોવાનું કામ કરતા ભુવા ચીમનભાઇ નથુભાઇ દેગામાના ધતીંગનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખી પર્દાફાશ કરેલ છે.

જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયાની યાદીમાં જણાવ્યા મુજબ આ ભુવાએ મોરબીમાં શનાળા રોડ પર એક દુકાનના શટર પાસે મેલી વિદ્યાની તંત્રીક વસ્તુઓ, અડદના લોટના પુતળામાં ખીલી ખોસી શ્રીફળનું પોટલુ સહીતની સામગ્રી કેટલાક સાગ્રીતોની હાજરીમાં મુકી હતી. જે ઘટના કેમરામાં કેદ થઇ ગઇ હતી. આ પુરાવા સાથે મોરબીના પ્રતિષ્ઠિત વ્યકિતએ વિજ્ઞાન જાથાને જાણ કરી હતી.

હાલ કોરોના કાળ ચાલે છે. ત્યારે લોકોની ભીડ ન થાય તે હેતુથી વિજ્ઞાન જાથાએ પહેલા તો ભુવા ચીમન નથુ દેગામાને ફોન કરી જાથાની કચેરીએ આવી શાંતિથી કબુલાત કરી જવા જાણ કરી હતી. પરંતુ ભુવા ગામમાંથી ફરાર થઇ ગયા હતા. બાદમાં જાથાની ટીમે ગામમાં પોતાનો માણસ મુકી વોચ શરૂ કરાવી હતી.

આખરે કોઇ પ્રસંગે ભુવા આવ્યાની જાણ થતા જાથાએ જુનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલ, મેંદરડા પોલીસ સ્ટેશનને ફેકસથી પત્ર મોકલી આ આપરેશન અંગેની જાણ કરી હતી.

ખોટો દેકારો ન થાય અને લોકોની ભીડ ન જામે તે હેતુથી જાથાની ટીમે પોલીસ સ્ટેશને જ ભુવાને તેડી લાવવા ગામના સરપંચ અને ઉપસરપંચને સમજાવ્યા હતા. તે મુજબ ભુવાને હાજર કરાયા હતા. પોલીસ સ્ટેશને આવતા પહેલા ભુવાએ પોતાના ઘરે રહેલ તમામ મેલીવિદ્યાની વસ્તુઓ બહાર ફેંકી સગેવગે કરી નાખી હતી. પરંતુ જાથાની ટીમ સમક્ષ હાજર થયા બાદ જયારે મોરબીમાં કરેલ ઉતાર વિધિ સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું જાણ થઇ ત્યારે ભુવા રોઇ પડયા હતા. હવેથી આવુ લોકોના દુઃખદર્દ મટાડવાનું કે જોવાનું, ધુણવાનું બંધ કરવા કબુલાત કરી હતી.

મોરબીમાં ઉતારની વિધિ સમયે તેમની સાથે જે લોકો હતા તેમના નામો પણ આપતા આ બધા સામે પણ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

જાથાની ટીમે મેળવેલી વિગતો મુજબ ચીમનભાઇ નથુભાઇ દેગામા કાળકા માતાજીના ભુવા હતા. સંતાનમાં પાંચ દિકરી પછી દિકરાનું પારણું બંધાયુ હતુ. પોતાને કાળકામાં હાજરા હજુર છે તેવુ જણાવી લોકોના દુઃદર્દ મટાડવાનું અને જે કોઇ ભુવા સ્થાપવા બોલાવે ત્યાં જતા હતા.જાથાએ કરેલ આ પર્દાફાશમાં જાથાના અંકલેશ ગોહીલ, અમિત રાજદેવ, પિયુષભાઇ નિમાવત, પિયુષભાઇ પરમારે ઉત્કૃષ્ઠ કામગીરી બજાવી હતી. આ સાથે જાથાએ ૧૧૮૪ મો પર્દાફાશ કર્યો હતો. કયાંય પણ દોરા ધાગા કે ધામિર્ક આડમાં છેતરપીંડીનું કાર્ય થતુ હોય તો મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર જાણ કરવા જાથાના જયંત પંડયાએ યાદીના અંતમાં જણાવેલ છે.

(12:22 pm IST)