Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

શક્તિસિંહ ગોહિલનો પક્ષપલટુઓ પર કટાક્ષ :કોંગ્રેસમાં તેઓ હીરો હતા, જયારે ભાજપમાં ઝીરો થઈ જાય છે

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું- હાર્દિક નાની વયનો છે, અને મેં તેની સાથે નાના ભાઈની જેમ રાખીને કામ કર્યું છે.

ભાવનગર: સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં વિધાનસભા ની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીને લઈને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમા જિલ્લાના કાર્યકરો, પદાધિકારીઓ માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

વરતેજ ગામે ખાનગી રિસોર્ટમાં યોજાયેલ તાલીમ શિબિરમાં શક્તિસિંહ ગોહિલ ઉપરાંત પ્રદેશના નેતાઓ તેમજ સ્થાનિક ધારાસભ્ય અને કોંગ્રેસના જુના નેતાઓ તેમજ વિવિધ સેલના આગેવાનો હાજર રહ્યાં હતા. શિબિરમાં આવેલા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે હાર્દિક પટેલના મામલે જણાવ્યું હતું કે, હાર્દિક નાની વયનો છે, અને મેં તેની સાથે નાના ભાઈની જેમ રાખીને કામ કર્યું છે. 

શક્તિસિંહ ગોહિલે એમ પણ જણાવ્યું હતું કે, ભાજપમાં આકાઓ સાથે કોઈ બોલી પણ શકતું નથી અને જો બોલે તો હરેન પંડ્યા જેવી દશા થાય છે. તેમને કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા નેતાઓ ઉપર પણ કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસમાં તેમને પહેલી હરોળમાં સ્થાન મળતું અને તેઓ હીરો હતા, જયારે ભાજપમાં જીરો થઇ ગયા છે. 

(12:46 am IST)