Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

આશા ડેરી-થરાદના ટેન્કરમાંથી દુધની ચોરીનો પર્દાફાશ

પાંચવડા ગામ પાસેના એસ્સાર પેટ્રોલ પંપના સ્થળે દૂધ કાઢવાનું આયોજન પ૦૦ થી ૬૦૦ લી. દૂધ કાઢી પાણી ઉમેરી દેવાનું ધ્યાન ઉપર આવ્યું

વઢવાણ, તા. ર૬ : સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાંથી દૂધના ભરેલા ટેન્કરો ચાલતા હોય છે કોઇ બનાસકાંઠા જિલ્લામાંથી અમરેલી બાજુ તો કોઇ જુનાગઢ, રાજકોટ, પોરબંદરથી અમદાવાદ તરફ જતા હોય છે. આવા ટેન્કરોમાંથી દૂધની ચોરી થાય છે અને તે દૂધ ચોટીલા તાલુકાના બીએમસી તથા દૂધ મંડળીઓમાં આવે છે તેવા સમાચારો અનવાર-નવાર પ્રકાશમાં આવતા હતા. જેના પગલે સુરસગાર ડેરી-વઢવાણ દ્વારા સ્કોર્ડ મારફત સઘન તપાસ હાથ ધરાઇ છે.

 

સ્કોર્ડના પેટ્રોલીંગ દરમ્યાન તા. ર૩ રાત્રે આશા ડેરી, થરાદ લખેલુ દૂધનું ટેન્કર (જીજે-૯ઝેડ-પ૩૬૯) ડોળીયા બાઉન્ડ્રીથી પસાર થયેલ તેનો પીછો કરતા ટેન્કર ચોટીલાથી આણંદપુર તરફ જતું હતું. પાંચવડા બોર્ડ પહેલા ડાબી બાજુ પાંચવડા દૂધ મંડળીના પ્રમુખ વાસુભાઇનો એસ્સાર પેટ્રોલ પંપ આવેલ છે તે પેટ્રોલ પંપની ઓફીસની પાછળના ભાગે લઇ જઇ ટેન્કર ઉભુ રાખી દેવામાં આવેલ. તે દરમ્યાન એક પીકઅપ વાહન જેમાં ર૦૦ લી. કેપે.ની ડ્રમ ટેન્ક, અંદાજે ૧૦૦ લી. કેપે.ના બે પ્લાસ્ટીકના ડ્રમ અને ૪૦ લી. કેપે.ના બે એલ્યુ. કેન હતા. તે પીકઅપ વાહન ટેન્કરના પાછળના ભાગે ઉભુ કરી દેવામાં આવેલ. ટેન્કરના પાછળના ખાનાનું ઉપરના ઢાંકણનું શીલ તોડી દૂધ કાઢવાની તૈયારી થતી હતી તે દરમ્યાન સ્કોર્ડ તેમજ દૂધ સંઘના અધિકારીઓ પહોંચી જતા દૂધ કાઢવામાં અસફળ રહેલ.

આ સમયે ઉપર પાંચવડા દૂધ મંડળીના પ્રમુખ વાસુભાઇ તેમના માણસો તથા ટેન્કર ડ્રાઇવર હાજર હતાં. ટેન્કર ડ્રાઇવરના મૌખિક નિવેદન મુજબ ટેન્કરમાંથી પ૦૦થી ૬૦૦ લી. દૂધ કાઢી પાણી ઉમેરી દેવામાં આવતું હતું. આ રીતે ટેન્કરમાંથી થતી દૂધનફી ચોરીનો પર્દાફાશ થયેલ છે.

દૂધ સંઘ દ્વારા દૂધની ગુણવતાની ચકાસણી તેમજ દૂધની ચોરીની તપાસ માટે ટીમો દ્વારા સતત સઘન કામગીરી કરવામાં આવી રહેલ છે. હલકી ગુણવતાનું દૂધ કે દૂધની ચોરી પકડાય ત્યારે કોઇપણ જાતની શેહશરમ વગર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. (૮.૧પ)

(1:07 pm IST)