Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

ત્રિપલ અકસ્માતમાં વિંછીયાના આશાસ્પદ યુવક સંદીપ ભલસાણીયાનું મોત : ૩ને ઇજા

વિંછીયાના લાલાવદર ગામ પાસે બે બાઇક સામસામા અથડાયા બાદ એસટી બસના પાછળના જોટામાં યુવક આવી જતા ઘટના સ્થળે જ મોત

તસ્વીરમાં એસટી બસ અને અકસ્માતમાં મોતને ભેટેલ યુવક નજરે પડે છે.

(નરેશ ચોહલીયા) જસદણ તા. ૨૫ : વિંછીયાના લાલાવદર ગામ પાસે જસદણ-વિંછીયા હાઈ-વે રોડ પર સાંજના સુમારે ટ્રિપલ અકસ્માત સર્જાતા વિંછીયાના આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતા પરિવારજનોમાં અરેરાટી પ્રસરી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, વિંછીયામાં રહેતો સંદીપ અરવિંદભાઈ તલસાણીયા (ઉ.વ.૨૦) સાંજના ૭ વાગ્યા આસપાસ જસદણથી વિંછીયા તેમના મિત્ર સાથે બાઈક લઈને જતો હતો. ત્યારે લાલાવદર ગામ નજીક પહોંચતા સામેથી આવતા બાઈક સાથે ધડાકાભેર અથડાતા બન્ને બાઈકમાં સવાર ચાર વ્યકિતઓ રોડ પર પટકાતા સામેથી આવતી બાઈકની પાછળ રહેલી જુનાગઢ-બોટાદ રૂટની એસટી બસના પાછળના જોટામાં સંદીપ નામનો યુવાન આવી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જોકે આ અકસ્માતના બનાવમાં બન્ને બાઈકમાં સવાર અન્ય ત્રણ વ્યકિતઓને પણ ઈજાઓ પહોંચતા તાત્કાલિક ૧૦૮ ની મદદથી વિંછીયાની સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા વિંછીયા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અકસ્માતના બનાવમાં મૃત્યુ પામનાર સંદીપ અપરણિત હતો અને બે ભાઈઓ તથા એક બહેનમાં સૌથી નાનો હતો. પરંતુ આ અકસ્માતમાં તેનું મોત નીપજતા પરિવારજનોમાં કરૂણકલ્પાંત મચી ગયો હતો.

(11:14 am IST)