Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

વિંછીયા પાસે ૭ લાખનો દારૂ ભરેલો ટ્રક પકડાયો

બાજરીની ગુણીમાં દારૂનો જથ્થો છુપાવ્યો'તોઃ ૨૮૮૦ બોટલ દારૂ અને ટ્રક સહિત ૨૦.૪૨ લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવર સુજાતખા બેલીમ અને કલીનર મામદ કેવરની ધરપકડઃ અન્ય ત્રણની શોધખોળ

રાજકોટ, તા. ૨૫ :. વિંછીયાના મોઢુકા ગામ પાસે ગઈકાલે રાત્રે ૭ લાખનો દારૂ ભરેલો ટ્રક પોલીસે પકડી પાડી બે શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય ત્રણની શોધખોળ હાથ ધરાઈ છે.

જિલ્લામાં દારૂની હેરાફેરી સામે કડક વોચ રાખવા એસપી બલરામ મીણાએ આપેલ સૂચના અન્વયે વિંછીયાના પીએસઆઈ આર.કે. ચાવડા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ બાતમી આધારે મોઢુકા ગામથી વિંછીયા જવાના રસ્તે હાથસણી ગામના પાટીયા પાસે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં નીકળેલ ટ્રક નં. જીજે ૧૨ એટી ૮૯૦૪ને અટકાવી તલાસી લેતા તેમા બાજરાની ગુણીમાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની બોટલ નંગ ૨૮૮૦ કિં. ૭.૩૨ લાખનો જથ્થો મળી આવતા ટ્રક ડ્રાઈવર સુજાતખા ઈભરામખા બેલીમ રહે. પંચાયત ઓફિસની બાજુમાં માધુપુર ગેઈટ તા. પોરબંદર તથા કલીનર મામદ મુળાભાઈ કેવર રહે. દાતાપીર સોસાયટી, કુકમા તા. ભુજને દબોચી લેવાયા હતા.

વિંછીયા પોલીસે ૭.૩૨ લાખનો દારૂ, ૭૦ ગુણી બાજરી તથા ટ્રક મળી કુલ ૨૦.૪૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પકડાયેલ બન્ને શખ્સોનો કોવિડ ટેસ્ટ કરાવી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં આ દારૂનો જથ્થો અકબર ઓસમાણભાઈ શેખ તથા મોહસીન ભાયા નામના શખ્સે મોકલ્યાનું અને અન્ય એક મોબાઈલ ધારકનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાય છે.

(11:15 am IST)