Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

રાજકોટ જીલ્લામાં વનરાજાના ટોળાએ ભાટગામ-સુખપુરમાં બળદનું મારણ કર્યુ

૮ જેટલા સિંહો ગિરનાર તરફ આગળ વધ્યા

રાજકોટ, તા. રપ : રાજકોટ તાલુકા બાદ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સિંહોએ ધામા નાખ્યાં છે. આરબ ટીંબળી ગામમાં ચડી આવેલા સિંહો હવે ગિરનાર તરફ આગળ વધી રહ્યાં છે. આજે વહેલી સવારે ૮ જેટલા સિંહોએ ભાટગામ અને સુખપુર ગામની સીમમાં મુકામ કર્યો હતો અને બળદનું મારણ કર્યું હતું. ગિરનાર તરફ આગળ વધતા સિંહો કેમેરામાં કેદ થયા હતા. હાલ તો સિંહોનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેથી વનવિભાગની ટીમ પણ તપાસ કરી રહી છે.

સાડીના દ્યાટ લઈને જઈ રહેલા ગોપાલભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે ભાટગામ અને સુખપુર ગામ વચ્ચે આવેલી સીમમાં સિંહના ટોળાએ એક બળદનું મારણ કર્યું હતું અને મીજબાની માણતા હતા. સીમમાં એક સાથે ૭-૮ સિંહો જોવા મળ્યો હતો. ગોપાઈલભાઈ સાડીના દ્યાટ સાથે જઈ રહ્યાં હતા ત્યારે ૭-૮ જેટલા સિંહો આગળ આગળ વધી રહ્યાં હતા.

જેતપુર તાલુકાના આરબટીંબડી ગામે ગિરનારના જંગલમાંથી આવેલા ૧૦ સાવજના ગ્રુપે ગૌશાળામાં પડાવ કરીને ૧૦ વાછરડાના મારણ કર્યા હતા. સાવજો જેતપુરમાં આગળ વધે તેવી શકયતાને કારણે વનવિભાગ સક્રિય થયું હતું જોકે આખું ગ્રુપ ફરી ગિરનાર તરફ જતું રહ્યું છે. એક સાથે ૧૦ પાઠડા આવી ચડતા આરબટીંબડી ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આજે ભાટગામ અને સુખપુરની સીમમાં સિંહોએ દેખા દેતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો હતો. જો કે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓને માહિતી મળતા તુરંત જ સાસણથી ખાસ વેટરનરી તબીબો અને ટ્રેકરની ટીમ મોકલી હતી.

વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ જણાવે છે કે, સિંહની વસ્તીમાં વધારો થયો છે અને બીજી તરફ વીડી વિસ્તાર અને ખેતરો દ્યટી રહ્યાં છે. રાજકોટમાં પહેલા સિંહ દેખાતા નહીં પણ બૃહદ ગીરથી રાજકોટ આવવા તરફના વિસ્તારોમાં સિંહને અનુકૂળ આવે તેવું વાતાવરણ તેમજ ભૂંડ, નીલગાય તેમજ રખડતા ઢોરને કારણે મારણની ઉપલબ્ધતા વધતા આ તરફ આવી જાય છે. ભવિષ્યમાં આજીડેમ નજીક પહોંચી જાય તેવી પણ શકયતા છે.

(3:43 pm IST)