Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

પડધરીના હિદડ ગામેથી ૮ વર્ષની બાળા લાપતાઃ અપહરણ થયું કે ગૂમ? તપાસનો ધમધમાટ

આદિવાસી બાળા ચાલીને એકલી જતી હોવાના સીસીટીવી ફુટેજ મળ્યાઃ બે વર્ષ પુર્વે પડધરીમાંથી ગૂમ થયેલ બાળાનો પણ હજુ પતો લાગ્યો નથી

રાજકોટ, તા., રપઃ પડધરીના હિદડ ગામે રહેતા આદિવાસી પરીવારની ૮ વર્ષની બાળા લાપતા થતા આ બાળાનું અપહરણ થયું કે ગૂમ? તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી વિગતો મુજબ પડધરીના હિદડ ગામે પટેલ પરીવારની વાડીમાં રહી મજુરી કામ કરતા આદિવાસી પરીવારની બાળા ગીતા (ઉ.વ.૮) ગત તા.૧૯ના રોજ સવારે ૮ વાગ્યા બાદ લાપતા થઇ જતા પરીવારજનોએ ગામ તથા આજુબાજુના વિસ્તારોમાં શોધોખોળ કરી હતી. પણ બાળાનો પતો ન લાગતા અંતે પરીવારજનોએ ગઇકાલે પડધરી પોલીસમાં જાણ કરતા પડધરી પોલીસે અજાણ્યા ઇસમ સામે અપહરણનો ગુન્હો દાખલ કર્યો હતો.

દરમિયાન પડધરીના પીએસઆઇ લાગરીયા તથા રાઇટર યુવરાજસિંહ સહીતના સ્ટાફે ગૂમ થયેલ બાળા અંગે તપાસ કરતા હિદડ ગામના સીસીટીવી ફુટેજમાં આ બાળા બપોરે એકલી ચાલીને જતી હોવાનું નજરે પડયું હતું. પડધરી પોલીસે ગુમ થયેલ બાળા અંગે જીલ્લાના તમામ પોલીસ મથક તથા અન્ય જીલ્લા પોલીસ મથકને પણ જાણ કરી છે. ગુમ થયેલ બાળા અંગે કોઇને ભાળ મળે તો પડધરીના પોલીસ મથકના ફોન નં. ૦૨૮૨૦-૨૩૩૧૯૩૫૨ જાણ કરવા અપીલ કરાઇ છે. આ બાળાનું અપહરણ થયું છે કે ગૂમ થઇ છે? તે અંગે પડધરી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બે વર્ષ પુર્વે પડધરીનાી સોમવારી બજારમાંથી ર વર્ષની બાળાનું અપહરણ થયું હતું. જેની હજુ સુધી ભાળ મળી નથી અને પોલીસ તપાસ ચાલુ છે ત્યાં પડધરીના હિદડ ગામેથી વધુ એક બાળા લાપતા થતા પડધરી પંથકમાં ચર્ચા જાગી છે.

(11:49 am IST)