Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

માણાવદર શહેરને ૧૮ માસમાં મળશે રીવરફ્રન્ટનું નજરાણુ

રૂ.૨૦ કરોડના ખર્ચે ૭૫૦ મીટર લંબાઇના રીવરફ્રન્ટ સાથે એમ્ફીથીયેટર, વોકવે, ઉપરાંત નદીને ઉંડી કરાશેઃ આઝાદી બાદ સૌથી મોટો પ્રોજેકટ માણાવદરમાં થશેઃ મંત્રી જવાહરભાઇ ચાવડા

માણાવદર-જૂનાગઢ, તા.૨૫: માણાવદર-વંથલી સહિતના વિસ્તારોમાં હાલ રાજય સરકાર દ્વારા રૂ.૧૦૦ કરોડ ઉપરાંતના વિકાસકામો ધમધમે છે. અને માણાવદરમાં આજે આઝાદી મળ્યા બાદ સૌથી મોટો પ્રોજેકટ રીવરફ્રન્ટ શરૂ થઇ રહ્યો છે. રાજય સરકારનુ માણાવદર વાસીઓને આ નવલુ નજરાણું છે, તેમ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું. માણાવદર ખાતે પોરબંદર રોડ પર ખારો નદી ઉપર ૭૬૦ મીટર લંબાઇ ધરાવતા રૂ.૨૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર રીવરફ્રન્ટનું પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ ખાતમુહૂર્ત કર્યા બાદ વધુમાં કહ્યું કે, આ વિસ્તારના વિકાસના મે ઘણાં સપના જોયા છે. તેમા રીવરફ્રન્ટ પણ હતો. અમદાવાદ પછી માણાવદરમાં પણ રીવરફ્રન્ટ બનશે તેવી કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. પરંતુ આજે આ હકીકત છે. માણાવદર વંથલી વિસ્તારે મને ખુબ પ્રેમ, લાગણી, હુફ આપી છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે, આપણે સમય સાથે પરિવર્તન સ્વીકારીને આગળ વધવાનું છે. સરકારના બારણા અને આંખો ખુલી છે. આ વિસ્તારના વિકાસ માટે કોઇ કચાશ રહેશે નહી. રીવરફ્રન્ટની સાથે એમ્ફીથીયેટર, વોક-વે, પાંચ એન્ટ્રી ગેઇટ, નદીને ઉંડી કરવી ઉપરાંત નદી કાંઠે રહેતા લોકોની પણ અન્ય સ્થળે મકાન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેમ શ્રી જવાહરભાઇએ ઉમેર્યુ હતું. આ પ્રસંગે જૂનાગઢના મેયરશ્રી ધીરૂભાઇ  ગોહેલ, અગ્રણી હરસુખભાઇ ગરાળાએ વિકાસકામો પ્રત્યે રાજય સરકાર સાથે મંત્રીશ્રીની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી. આ તકે કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ, માણાવદર નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન ગોર, અગ્રણી વરજાંગ ઝાલા, નારણભાઇ સોલંકી, ગોવિંદભાઇ સવસાણી, જયેન્દ્રભાઇ કુરાણી, પુજાબેન રાડા ઉપસ્થિત રહ્યા હતા. રીવરફ્રન્ટ પ્રોજેકટની વિગતો અજીત જોષીએ આપી હતી. કાર્યક્રમનું સંચાલન હરીભાઇ ભુતે અને આભારવિધી નીરજ જોષીએ કરી હતી. પ્રોજેકટ અંગે પ્રેમજીભાઇ મણવરે પ્રતીભાવો આપ્યા હતા.

(9:54 am IST)