Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

કપાસ-મગફળીના ગોડાઉનમાં આગ : ખેડૂતનો મૃદેહ મળ્યો

અમરેલી જિલ્લાના બાબરાના ગરણી ગામની ઘટના : ઘટના જાણ થયા બાદ ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવ્યા બાદ વૃધ્ધની લાશ મળતાં હત્યા કરાયાની શંકા

રાજકોટ, તા. ૨૪ : અમરેલી જિલ્લાના બાબરાના ગરણી ગામમાં એક ખેતરમાં ગત મોડી રાતે કપાસ અને મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. વહેલી સવારે સ્થાનિકોને જાણ થતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને આગ પર કાબૂ મેળવાયો હતો. દરમિયાન ફાયર વિભાગની ટીમને વૃદ્ધ ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ગોડાઉન સળગાવી ખેડૂતની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. જેથી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત અનુસાર, મંગળવારે મોડી રાતે બાબરા તાલુકાના ગરણી ગામમાં એક ખેડૂતના ખેતરમાં કોઈ કારણસર આગ લાગી હતી. આગ કપાસ અને મગફળીથી ભરેલા ગોડાઉનમાં લાગી હતી. જે આગની જાણ સ્થાનિકોને વહેલી સવારે થતાં સ્થળ પર દોડી આવ્યાં હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી.

ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. દરમિયાન ફાયર વિભાગની ટીમને ખેડૂતનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

 જેથી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લીધો હતો. ગોડાઉન સળગાવીને ખેડૂતની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. જેથી કોઈ હત્યા કરી છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. 

(11:52 am IST)