Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

નાતાલની ઉજવણી માટે ગિરનાર પર જમાવડોઃ ભવનાથમાં પ્રવાસીઓનો ધસારો

કડકડતી ઠંડીની પરવા કર્યા વગર પર્વત પર પહોંચ્યા

જુનાગઢ તા. ૨૫ : નાતાલની ઉજવણી માટે ગિરનાર પર્વત પર લોકોનો જમાવડો થયો છે. આ જ પ્રમાણે ભવનાથ તળેટીમાં પણ ધસારો થતાં લોકમેળા જેવું વાતાવરણ જામ્યું છે.

આજના નાતાલ તહેવારની સવારથી ઉજવણી થઇ રહી છે. ત્રણ દિવસની રજાને લઇ નાતાલ પર્વ કુદરતનાં ખોળે ઉજવવા માટે છે. શનિવારથી જુનાગઢના ભવનાથ ખાતે પ્રવાસીઓએ ધસારો કર્યો છે.

કડકડતી ઠંડીની પરવા કર્યા વગર ગઇકાલે વહેલી સવારથી મોડી સાંજ સુધી ગિરનાર પર્વતનાં મુલાકાતીઓની સતત અવર-જવર રહી હતી. ગિરનાર અંબાજી અને ગુરૂદત્તાત્રેયની ટુંક પર ગઇકાલની જેમ આજે પણ પ્રવાસીઓની ભારે ભીડ રહી હતી.

ગઇકાલથી હાડ થીજાવતી ઠંડી અનુભવાઇ રહી છે છતાં રવિવારની સાંજે નાતાલ ઉજવવા માટે જુનાગઢવાસીઓ પણ ભવનાથ ખાતે પહોંચ્યા હતા.

સ્થાનિક લોકોની ભીડ અને સહેલાણીઓના ધસારાને લઇ ભવનાથ તળેટી વિસ્તારમાં લોકમેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું અને ભવનાથ જતા - આવતા તમામ રસ્તા પર વાહનોનો સતત ટ્રાફિક જોવા મળ્યો હતો.

જુનાગઢની માફક સોરઠના સાસણ સહિતના પ્રવાસ સ્થળોએ નાતાલની ભવ્ય ઉજવણી માટે પ્રવાસીઓનો ધસારો રહ્યો છે.

(11:57 am IST)