Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

સુરેન્દ્રનગરમાં લગ્ન પ્રસંગે ૩૦ તોલા સોનાના દાગીનાની ચોરીમાં ૧૨ વર્ષનો છોકરો આરોપી !

 સુરેન્દ્રનગર તા.૨૫ : તાજેતરમાં સુરેન્દ્રનગર શહેરમાં લગ્ન પ્રસંગે આવેલ મહિલાના આશરે ૩૦ તોલા સોનાના દાગીનાની ચોરી થયા અંગેનો બનાવ બનેલ છે. આ ચોરી માં સીસીટીવી ફૂટેજ આધારે તપાસ તજવીજ હાથ ધરવામાં આવતા, એક ૧૦ થી ૧૨ વર્ષનો છોકરો આરોપી તરિકે જણાઈ આવેલ છે. આજ રીતે વડોદરા શહેર અને રાજકોટ શહેર ખાતે પણ લગ્ન પ્રસંગમાં ચોરીના બનાવ બનેલ છે અને તેમાં પણ નાની ઉંમરના છોકરી તથા છોકરા આરોપી તરીકે જણાઈ આવેલ છે.

આમ, ગુજરાત રાજયમાં જયારે જયારે લગ્નની સિઝન આવે છે ત્યારે ત્યારે નાના છોકરાઓની ગેંગ ઉતરી આવે છે અને ભૂતકાળમાં આવી ટાબરીયા ગેંગ પકડાયેલ પણ છે. તાજેતરમાં પણ અમદાવાદ ખાતે પણ નાના છોકરાઓની ગેંગ પકડાયેલ છે. આ ગેંગ સામાન્ય રીતે મધ્ય પ્રદેશના રાયપુર જીલ્લાની છે. જે પોતાની માતા તથા કુટુંબીજનો સાથે ઉતરી જાય છે. જયાં લગ્ન યોજાયેલ હોય ત્યાં પહોચી જાય છે. સામાન્ય રીતે આવા લગ્ન પ્રસંગે બનતા બનાવમાં લગ્નમાં આવતી મહિલાઓની બેદરકારી કારણરૂપ બને છે. લગ્ન પ્રસંગે આવતી મહિલાઓ અન્ય સાથે વાતચીત તથા મળવામાં મશગુલ હોય છે, એ વખતે પોતાના કિંમતી દાગીના ભરેલ પર્સનું ધ્યાન રહેતું નથી. ત્યારે, આ ગુન્હેગાર ટાબરીયા પોતાનું કામ પતાવી લે છે અને પલ વારમાં કિંમતી સામાન લઈને છું થઈ જાય છે.લગ્ન પ્રસંગે બનતા બનાવમાં જાનૈયા અને માંડવીયાઓ ધ્યાન રાખે તો, આવા બનાવ બનતા અટકાવી શકાય તેમ છે. લગ્ન પ્રસંગમાં અજાણ્યા છોકરાઓ દેખાય તો, અવશ્ય ખાત્રિ કરવી જરૂરી બને છે. લગ્નમાં આવેલ નાના ટાબરીયા કયાં પક્ષ તરફથી આવેલ છે તે પણ ખાત્રી કરવાથી પકડાઈ જવાની શકયતા છે.લગ્ન પ્રસંગે આવતી મહિલાઓએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે. કારણકે, આવા બનાવોમાં સામાન્ય રીતે મહિલાઓ જ ભોગ બને છે. કિંમતી સામાનની બેગ કે પર્સ પોતાના હાથમાં અથવા ખાંભામાં ભરાવીને જ રાખવું જોઈએ. જો લગ્નમાં આવતી મહિલાઓ સચેત રહે તો, આ ટાબરીયા પોતાના કામમાં સફળ થતા નથી.આવા કોઈ છોકરાં લગ્ન પ્રસંગમાં મળી આવેતો, લગ્નના આયોજક દ્વારા તેના ઉપર દયા ખાઈને જવા નહીં દેતા, પોલીસને બોલાવી, પોલીસને સોંપી દેવી જોઈએ, જેથી અન્ય કોઈ બનાવમાં સંડોવાયેલ હોય તો, વેરીફાઈ કરાવી શકાય.સુરેન્દ્રનગર ખાતે બનેલા બનાવના સંદર્ભે ર્ંજિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેદ્યાણી દ્વારા જીલ્લાની પોલીસને એલર્ર્ટં કરી, આવા ગુન્હામાં પકડાયેલ આરોપી બાળકોના ફોટોગ્રાફ દરેક થાણા અમાલદારોને મોકલી, પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયાં જયાં લગ્ન પ્રસંગ હોય તેઓ ને આપી, માહિતી મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત, ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફર્લો સ્કવોડ, ડી સ્ટાફના જવાનોને જે જગ્યાએ લગ્ન પ્રસંગ હોય તેની આજુ બાજુ ખાનગી કપડામાં વોચમાં ગોઠવી દેવા સૂચનાઓ કરવામાં આવેલ છે.સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા લોકો આવા ચોરીના બનાવોના ભોગ ના બને તે માટે પૂરતા પગલાંઓ ભરવામાં આવેલ છે પણ સાથેસાથે લોકોએ પણ ખાસ ચેતવાની જરૂરિયાત છે. જેથી આવા ચોરીના બનાવો અટકાવી શકાય.

(1:03 pm IST)