Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

મોરબી કોંગ્રેસના નેતા કિશોર ચીખલીયાએ અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું

મોરબી તા.૨૫ : મોરબી-માળિયા વિધાનસભા બેઠક પર છેલ્લા ૨૨ વર્ષથી ભાજપના એકહથ્થુ શાસનનો અંત લાવવા આ ચુંટણીમાં કોંગ્રેસ એકજુટ થઈને લડે તેવી તૈયારી વચ્ચે ટીકીટ વહેંચણી બાદ અસંતોષ જોવા મળ્યો હતો અને કોંગ્રેસના નેતાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જોકે આખરે આ ફોર્મ પરત ખેંચવામાં આવતા હવે કોંગ્રેસને હાશકારો થવા પામ્યો છે.

મોરબી-માળિયા બેઠક પરથી કોંગ્રેસે બ્રિજેશ મેરજાને ટીકીટ આપી છે તેમજ આ બેઠક પરથી જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોર ચીખલીયાએ પણ દાવેદારી નોંધાવી હતી જેને ટીકીટ ના મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જેને પગલે કોંગ્રેસના નેતાઓમાં દોડધામ મચી ગઈ હતી. ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટે કોંગ્રેસ એકજુટ થઈને લડે તે અનિવાર્ય હોય, છેલ્લા બે દિવસથી કિશોર ચીખલીયાને મનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા જેમાં પ્રદેશના ભરતસિંહ સોલંકી અને સિદ્ઘાર્થ પટેલ સહિતના નેતાઓ ઉપરાંત સ્થાનિક નેતાઓએ પણ લાગલગાટ બે દિવસ સુધી તેમને મનાવવા સતત પ્રયાસો કર્યા હતા અને આખરે સમજાવટ ને પગલે મામલો પત્યો છે. અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના કદાવર નેતા કિશોર ચીખલીયાએ આજે તેનું અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કિશોર ચીખલીયાએ કોંગ્રેસને જીતાડવા કામે લાગી જવા કાર્યકરોને અપીલ કરી હતી.

(12:13 pm IST)