Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ભાણવડ પાલિકાના કોંગ્રેસના પ્રમુખ પદે જીજ્ઞાબેન જોશી, ઉપપ્રમુખ તરીકે ઉમરભાઈ સમા

૨૫ વર્ષ બાદ ભાજપને હરાવીને ભાણવડ પાલિકામાં કબ્જો મેળવ્યા બાદ કોંગ્રેસના હોદેદારોના નામની જાહેરાત

તસ્વીરમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે વિક્રમભાઈ માડમ નજરે પડે છે(તસ્વીરઃ કૌશલ સવજાણી-ખંભાળીયા)

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૨૫ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નગરપાલિકાના કોંગ્રેસના હોદેદારોની આજે જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રમુખ પદે જીજ્ઞાબેન હિતેશભાઈ જોષી અને ઉપપ્રમુખ તરીકે ઉમરભાઈ સુલેમાનભાઈ સમાના નામની જાહેરાત કરવામાં આવી છે.

ભાણવડ પાલિકામાં ૨૫ વર્ષ પછી ભાજપને હરાવીને કોંગ્રેસે ૨૪ બેઠકોમાંથી ૧૬ બેઠકો જીતીને બહુમતી મેળવીને ઈતિહાસ સર્જયો હતો.

આજે બપોરે ભાણવડ પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવતા કોંગ્રેસના આગેવાનોએ અને સદસ્યોએ આ નામની જાહેરાતને વધાવી લીધી હતી અને સમર્થન આપ્યુ હતું.

ચૂંટણી અધિકારી તરીકે ખંભાળીયા પ્રાંત અધિકારીએ જવાબદારી સંભાળી હતી. ભાણવડ પાલિકામાં ૨૫ વર્ષ પછી કોંગ્રેસનું શાસન આવતા કોંગ્રેસમાં ભારે ઉત્સાહ છવાયો છે. કોંગ્રેસના નવનિયુકત પ્રમુખ જીજ્ઞાબેન જોશી અને ઉપપ્રમુખ ઉમરભાઈ સમાએ ભાણવડના નગરજનોને સારી સુવિધા આપવાની ખાત્રી આપી હતી અને આગામી દિવસોમાં વિકાસકાર્યો વધુ વેગવંતા કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું. આ તકે વિક્રમભાઈ માડમ સહિત કોંગ્રેસના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.(

(12:02 pm IST)