Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

અમરેલી જીલ્લામાં વધુ એક સિંહ બાળ અને સિંહણના મોતથી ભારે રોષ : વન વિભાગની ટીમ કામગીરી કરે તે જરૂરી

અમરેલી, તા. રપ : ધારી ગીર પૂર્વ દલખાણીયા રેન્જની સરસીયા વીડીના એક સિંહ બાળ એક સિંહણનું સારવાર દરમ્યાન મોત થતાં સિંહણને ધારી કેસરી સદન ખાતે પી.એમ. અર્થે લાવવામાં આવી હતી તો સિંહ બાળનું જસાધાર ખાતે પી.એમ. કરવામાં આવ્યું હતું. આમ ૧૧ સિંહોના મોત બાદ વધુ બે સિંહના મોત થતા મૃત આંક ૧૩ પર પહોંચ્યો છે.

ધારીની સરસીયા વીડી પૂર્વ પશ્ચિમમાં ગત તા. ૧૩ થી ૧૯ દરમ્યાન ૧૧-૧૧ સિંહોના મોતને ભેટીયા હતાં જે બાદ એક સિંહ બાળ અને  સિંહણ સારવાર અર્થે જસાધાર ખાતે ખસેડવામાં આવ્યા હતાં જેમાં એક સિંહણ (ઉ.વ.૩થી ૪) બીમાર હોય જંગલ વિસ્તારમાંથી મળી આવી હતી જેનું સારવાર દરમિયાન મોત થતા ધારી કેસરી સદન ખાતે પી.એમ. હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. તેમજ એક સિંહ બાળ (ઉ.વ.પ થી ૬) માસ ને ગઇકાલે બિમાર અવસ્થામાં જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું હતું. જયાં સારવાર દરમિયાન મોત નિપજયું હતું, આમ ૧૧ સિંહો બાદ વધુ બે સિંહના મોત થતા મૃત આંક ૧૩ પર પહોંચ્યો હતો. ત્યારે વન વિભાગ મોતનું કોઇ ચોક્કસ કારણ શોધી શકયું નથી અને સિંહોના ટપોટપ મોત થઇ રહ્યા હોય વન વિભાગના ડી.સી.એફ પોતાનો બચાવ કરવામાં વ્યસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે.

(3:53 pm IST)