Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

જામનગર : રાજુલબેન દેસાઇના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ

જામનગર,તા. ૨૫: રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રી ડો.રાજુલબેન દેસાઈ હાલ જામનગરની મુલાકાતે છે ત્યારે આયોગના સભ્યશ્રીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં મહિલા અને બાળ કલ્યાણ અધિકારીશ્રી ચંદ્રેશ ભાભી દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરી જિલ્લા સ્તરે કરવામાં આવેલ મહિલા કલ્યાણલક્ષી કામગીરીઓની પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી. જેમાં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની સુરક્ષા યોજના, પી.સી.પી.એન.ડી.ટી. અંતર્ગતની કામગીરી, દિકરીઓનું પ્રમાણ વગેરે બાબતો વિશે જામનગર જિલ્લા દ્વારા કરવામાં આવેલ કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

 આ તકે આયોગના સભ્ય ડો. રાજુલબેન દેસાઈએ મહિલાલક્ષી યોજનાઓ, કાયદાઓ અને આરોગ્યલક્ષી યોજનાઓ બાબતે વિશેષ જાગૃતિ લાવવા જાગૃતિલક્ષી કાર્યક્રમોનો વ્યાપ વધારવા સૂચન કર્યું હતું તેમજ બાળકીઓને ગુડ ટચ બેડ ટચની ટ્રેનીંગ, મહિલાઓ વિરૂદ્ઘ થતા ગુનાઓ વિશે અને તેની સામે કાયદાકીય જ્ઞાન મહિલાઓને પૂરતું મળી રહે તે માટે મહિલા પોલીસ, બાળ સુરક્ષા એકમના અધિકારીશ્રીઓને ખાસ કાર્યક્રમો કરવા અંગે પણ તાકીદ કરી હતી. સરકાર તેમજ ખાનગી ક્ષેત્રે પણ કાર્યરત મહિલાઓને કામના સ્થળે શોષણ કે મેટરનીટી બેનિફિટ્ જેવી બાબતોના પ્રશ્નો અંગે તેમજ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં થતાં બાળ લગ્ન અટકાયત વિશેની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. સભ્યશ્રીએ મહિલા આયોગ દ્વારા મહિલા ઉત્થાન માટે જિલ્લા કક્ષાએથી વધુ સદ્યન કામગીરી કરી રાષ્ટ્રીય સ્તરે જામનગરને વધુ આગળ લાવવા સભ્યશ્રી અપીલ કરી હતી.

આ બેઠકમાં કલેકટર ડો.સૌરભ પારઘી, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, ડી.વાય.એસ.પી., ડી.આર.ડી.એ.ના નિયામક રાજેન્દ્રસિંહ રાયજાદા, ડેપ્યુટી કમિશનર વસ્તાણી, જિલ્લા આરોગ્ય અધિકારી બથવાર, સી.ડી.પી.ઓ તેમજ મહિલા અને બાળકલ્યાણ સંલગ્ન વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:56 pm IST)