Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

પોરબંદર જિલ્લામાં ૧૪ ધન્વંતરિ રથ દ્રારા ૫૦ હજારથી વધુ વ્યક્તિઓનાં આરોગ્યની તપાસણી કરાઇ : લોકોએ જિલ્લા વહિવટી તંત્ર તથા જિલ્લા આરોગ્ય વિભાગનો કર્યો આભાર વ્યક્ત

વિનામૂલ્યે મારા આરોગ્યની તપાસ કરી, રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા પણ આપી : લાભાર્થી ભાવનાબેન લાખાણી

પોરબંદર તા.૨૫, રાજ્યના કાર્યક્ષમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોકોની આરોગ્ય તપાસણી માટે ધન્વંતરી રથનાં ઉમદા વિચાર અને અસરકારક અમલીકરણથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રભાવિત થયા છે. અને તેમણે અન્ય રાજ્યોને પણ ગુજરાતની આ પહેલનો અમલ કરવા સલાહ આપી છે.

રાજ્યના અંતરિયાળ વિસ્તારો, શહેરી, ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પોતાના ઘર નજીક જ આરોગ્ય સેવા મળી રહે તે માટે ધન્વંતરિ રથની શરૂઆત કરાઇ છે. ધન્વંતરિ રથએ એક પ્રકારનું હરતુ ફરતુ દવાખાનુ છે. આ રથમા કાર્યરત ડોકટર અને તેમની ટીમ દ્રારા જુદા-જુદા વિસ્તારોમાં ઘરે ઘરે જઇને લોકોની વિનામૂલ્યે આરોગ્ય તપાસણી કરીને દવાનુ વિતરણ કરે છે.

અન્ય જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લામાં કાર્યરત ધન્વંતરિ રથનો લોકો ઘર બેઠા જ લાભ લઇને મેડીકલ ઓફીસર પાસેથી જરૂરી માર્ગદર્શન તથા દવાઓ મેળવી રહ્યા છે.

પોરબંદર જિલ્લામાં ૧૪ ઘન્વંતરિ રથ કાર્યરત છે. નેસ તથા ઘેડ વિસ્તારના ગામડાઓ તથા રાણાવાવ, કુતિયાણા, પોરબંદર, છાયા શહેરમાં આરોગ્ય સ્ટાફ લોકોના ઘરે ધરે જઇને વિનામૂલ્યે આરોગ્યની તપાસણી કરવાની સાથે કોવિડ-૧૯નું સંક્રમણ વધુ ફેલાઇ નહી તે માટે રાખવાની જરૂરી તકેદારીનું માર્ગદર્શન તથા રોગપ્રતિકારક શક્તિ માટેની દવાનુ વિતરણ કરે છે.

પોરબંદર શહેરનાં રાવલીયા પ્લોટમાં રહેતા કરીયાણાની દૂકાન ધારક ભાવનાબેન લાખાણીએ કહ્યુ કે, ધન્વંતરિ રથ મારા ઘર આંગણે આવતા મારૂ અને આખા વિસ્તારનાં રહેવાસીઓનું મેડિકલ ઓફિસરે આરોગ્ય તપાસણી કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની દવા પણ વિનામૂલ્યે આપી છે. જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા શરૂ કરાયેલ આ રથનો જિલ્લાવાસીઓ વધુને વધુ લાભ લે તથા પોતાની અને પરિવારની આરોગ્ય તપાસણી કરે તે જરૂરી છે. જેથી કોરોનાના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય.

રામધૂન મંદિરની સામે રહેતા મીલનભાઇએ જિલ્લાતંત્રનો તથા ડોકટર્સનો આભાર વ્યક્ત કરી કહ્યુ કે, ધન્વંતરિ રથ અમારા વિસ્તારમાં આવ્યો છે. ડોકટરો અને તેમની ટીમે અમારુ આરોગ્ય સ્ક્રીનીંગ કર્યુ, મશીન દ્રારા ઓક્સીઝન માપ્યુ તથા આરોગ્ય લક્ષી જરૂરી માહિતી આપીને ઇમ્યુનીટી વધારવા ગોળીઓ આપી પોતાના વિસ્તારમાં આવતા ધન્વંતરિ રથનો દરેક વ્યક્તિ લાભ લે તેવી અપીલ પણ મીલનભાઇએ કરી હતી.

આમ પોરબંદર જિલ્લામાં કાર્યરત ૧૪ ધન્વંતરિ રથ દ્રારા શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં ઘરે ઘરે જઇને આરોગ્ય વિભાગના કર્મચારીઓ લોકોની હેલ્થ ચેકઅપ કરી રહ્યા છે. ઘર બેઠા વિનામૂલ્યે આરોગ્ય તપાસણી થવાથી લોકો જિલ્લાતંત્ર તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. (સંકલન : જીતેન્દ્ર નિમાવત માહિતી બ્યુરો પોરબંદર)

(8:47 pm IST)