Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ભુજના ધુનારાજા ડેમના દરવાજા ખોલવા મામલે સર્જાયો વિવાદ? : જાણો શું છે આખાયે મામલો

હમીરસર તળાવ ઓવરફ્લો મુદ્દે સિંચાઈ શાખાની જાણ બહાર દરવાજા ખોલાયા? : ડેમના દરવાજા ખોલાયા બાદ લોકોમાં ૬ સપ્ટેમ્બર ૨૦૧૧ ની હોનારતના ભય બાબતે ચર્ચા

(ભુજ) ભુજની ભાગોળે આવેલા ધુનારાજા ડેમના દરવાજા ખોલવા બાબતે વિવાદ સર્જાયો હોવાનું જાણવા મળે છે. ભુજના હમીરસર તળાવમાં પાણીની આવના સ્ત્રોત એવો ધુનારાજા ડેમ નાની સિંચાઈ શાખા હેઠળ આવે છે. દરમ્યાન આ ડેમમાંથી પાણી છોડવા બાબતે મંજૂરી નાની સિંચાઈ શાખા પાસે હોઈ. ડેમના દરવાજા ખોલવા સંબધિત શાખાની મંજૂરી જરૂરી છે. દરમ્યાન ધુનારાજા ડેમના દરવાજા રાત્રે એક વાગ્યે ખોલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જોકે, ભુજ સુધરાઈના એક ઉચ્ચ હોદ્દેદારે આ બાબતે બારોબર ફોન કરી દરવાજા ખોલવાનો આદેશ આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સંબધિત સિંચાઈ શાખાને કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વગર જ ડેમના દરવાજા ખોલવાના આ પ્રકરણ બાદ સિંચાઈ વિભાગ હરકતમાં આવ્યું છે. દરમ્યાન આ મુદ્દે ભુજ પાલિકાના શાસકોનું પૂછાણું લેવાતાં વિવાદ વધ્યો છે. જેને પગલે ડીડીઓ પ્રભવ જોશી સુધી આ મામલો પહોંચતાં તેમણે સુધરાઈ અને સિંચાઈ વિભાગની બેઠક બોલાવી હોવાનું જાણવા મળે છે. દરમ્યાન ધુનારાજા ડેમમાંથી બે ફૂટ પાણી ઓછું થયું છે, હમીરસર ઓગનાવામાં પાણી ઓછું થતું હોઈ ધુનારાજા ડેમમાંથી પાણી છોડી હમીરસર તળાવ ઓગનાય એવી આ યોજના હતી. જોકે, એ થઈ પણ શકે પરંતુ ૨૦૧૧ માં ભુજના ધુનારાજા ડેમના પાટીયા ખોલાયા બાદ ભાનુશાલીનગર અને જ્યુબીલી કોલોની સહિત બજારોમાં પાણી ભરાયા હતા. તે જોતાં સિંચાઈ વિભાગની સંમતિ લીધા બાદ ક્યાંય કોઈ પાણી ન ભરાય તેવી તકેદારી અને નિરીક્ષણ કરાયા બાદ જ નિર્ણય લેવાય તે પણ જરૂરી છે. તો, ભુજ નજીક ધુનારાજા ડેમની નજદીક હરિપર ગામના લોકોમાં પણ ડેમ ના પાટીયા ખોલાયા બાદ નારાજગીનો સુર ઉઠ્યો છે. ભુજના લોકો હમીરસર તળાવ ઓગનાયાની રાહ જોવે છે, પણ તળાવની આવ સહિત હમીરસર તરફ આવતા દરેક જળસ્રોતની સફાઇ નામે થતાં ભ્રષ્ટાચારથી ભારે નારાજ છે. એક સમયે માત્ર ૮ થી ૧૦ ઈંચ વરસાદથી ભુજનું હમીરસર તળાવ ઓગનાઈ જતું જ્યારે આ વખતે ૩૦ ઈંચ વરસાદ પછી પણ હમીરસર તળાવ ઓગનાયુ નથી. જેને પગલે ભુજ પાલિકાના ભાજપના શાસનની સોશ્યલ મીડીયામાં ભારે ટીકાઓ પણ થઈ રહી છે. આરએસએસ અને ભુજના જાગૃત નાગરિકોએ હમીરસરની સફાઈ કરી તે દરમ્યાન નીકળેલા દારૂની ખાલી બોટલો સહિતના કચરા પછી સતત એ સવાલ પણ ઉઠ્યો કે, દર વખતે નાળા સફાઈ માટે વપરાતી લાખોની રકમ ક્યાં પગ કરી જાય છે. એ વચ્ચે ડેમના પાટીયા ખોલવાના સમાચાર શાસકોની હમીરસર તળાવ વધારવાની ઘેલછા દર્શાવે છે. હમીરસરના ઓગનવા સાથે જળસ્રોતના સંવર્ધન સાથે લોકોની સલામતી સાવચેતી પણ સંકળાયેલી છે.

(6:31 pm IST)