Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ધોરાજી ના જેતપુર રોડ ખાતે મહિલાઓએ ટ્રાફિક જામ કર્યો

ધોરાજીના આવેડા ચોક જેતપુર રોડ લેન વાળી ગલીમાં ૩૦ જેટલા મકાનોમાં પાણી ઘુસી જતા નગર પાલિકા તંત્રે કોઈ કાર્યવાહી નહીં કરતા તેમના વિરોધમાં મહિલાઓ રણચંડી બની

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી: ધોરાજીમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા આવો જ એક બનાવ આજરોજ ધોરાજીના જેતપુર રોડ લેન વાળી ગલીમાં હનુમાનજીના મંદિર અને પીરની દરગાહ ની બાજુમાં જે રોડ ઉપર  પાણી ભરાતા અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું હતું, જેના કારણે આ વિસ્તારની મહિલાઓ હીરપરા વાડી વિસ્તારની મહિલાઓ રોડ ઉપર આવી નગરપાલિકાને ઢંઢોળવા માટે નગરપાલિકા હાઈ હાઈ ના સૂત્રો સાથે ચક્કાજામ કર્યો હતો.

લગભગ 45 મિનિટ સુધી રોડ ચક્કાજામ કર્યો છે. ધોરાજી નગરપાલિકાના કર્મચારી રવજીભાઈ ભાષા  તેમજ ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા તેમજ પોલીસ તાત્કાલીક દોડી આવતા મામલો થાળે પાડવા બાબતે પોલીસ સક્રિયતાથી મહેનત કરી હતી અને મહિલાઓને સમજાવી મામલો થાળે પાડયો હતો.

આ સમયે આ વિસ્તારની મહિલાઓએ જણાવેલ કે નગરપાલિકા તાત્કાલિક કામ નહિ કરે   ત્યાં સુધી અમારા વિસ્તારમાંથી નગરપાલિકા પાણી નહીં કાઢે ત્યાં સુધી અમે રસ્તાઓ પરથી નીકળશુ નહીં તે પ્રકારના હલ્લાબોલ સાથે નગરપાલિકા હાય હાય ના સુત્રો સાથે ધોરાજી રોડ જેતપુર રોડને ચક્કાજામ કરી દીધો હતો.

આ પહેલા આ જ વિસ્તારમાં સામાજિક સંસ્થાના આગેવાનોએ મોટા મોટા ખાડાઓ પર વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીને નવતર વિરોધ કર્યો હતો પરંતુ એ બાબતે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેનો પણ મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો હતો.

પોલીસ ઈન્સપેક્ટર હુકુમતસિંહ જાડેજા એ પોણી કલાક સુધી મહિલાઓને સમજાવીને વિવેકબુદ્ધિથી ચક્કાજામને હટાવ્યું હતું અને નગરપાલિકાના કર્મચારીઓએ ખાતરી આપી હતી અને કામ ચાલુ કરાવ્યું હતું.

ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમત સિંહ જાડેજા ટ્રાફિક જમાદાર દેવશીભાઈ બોરીચા મહિલા જમાદાર કિરણબેન સહિતનો પોલીસ સ્ટાફ  પોલીસ બંદોબસ્ત ગોઠવેલ હતો.

૪૫ મિનિટ થી તમામ વાહન વ્યવહાર બંધ થઇ જતાં એસટી બસ થી માંડીને અનેક વાહનો સ્થગિત થઈ જતા  મુશ્કેલીઓ ભોગવવી પડી હતી.

જોવાની વાત એ ધોરાજીમાં ડેપ્યુટી કલેક્ટર મામલતદાર ચીફ ઓફિસર હોવા છતાંય આ ઘટના સ્થળે મહિલાઓની વેદના સાંભળવા માટે કોઈ આવ્યું નથી તે દુઃખની બાબત છે.

(5:27 pm IST)