Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ઉપલેટાના બેંક કર્મચારીનું અપહરણ-લૂંટના ગુનામાં ફરાર ધર્મેશ ઉર્ફ ધનજી ભુંડીયાને ક્રાઇમ બ્રાંચે પકડ્યો

પૈસાની લેતીદેતીમાં વિવેક, મુન્ના, લક્ષમણ અને રાજકોટના ધર્મેશે મળી હાર્દિક ધામેચાનું અપહરણ કરી લૂંટ ચલાવી હતીઃ ફરાર મેટોડાના શખ્સને કટારીયા ચોકડી પાસેથી પકડી ધોરાજી પોલીસને જાણ કરાઇ

રાજકોટ તા. ૨૫: ઉપલેટાની એચડીએફસી બેંકના કર્મચારી હાર્દિક કિશોરભાઇ ધામેચાનું ગત ૧૯મીએ ચાર શખ્સોએ અપહરણ કરી ધમકાવી રૂ. પચાસ હજારની લૂંટ ચલાવી હતી. આ મામલે ધોરાજી પોલીસમાં નોંધાયેલા ગુનામાં ફરાર એક શખ્સ ધર્મેશ ઉર્ફ ધનજી રાણાભાઇ ભુંડીયા (ભરવાડ) (ઉ.વ.૨૬-રહે. મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૨, યુ ફ્રેશ દૂધ સામે)ને  શહેર ક્રાઇમ બ્રાંચે ૧૫૦ રીંગ રોડ કટારીયા ચોકડી પાસેથી પકડી લઇ ધોરાીજી પોલીસને જાણ કરી  છે.

ઉપલેટા એચડીએફસી બેંકમાં લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતાં હાર્દિક કિશોરભાઇ ધામેચાનું ૧૯મીએ ચાર શખ્સો તેની સાથે જ નોકરી કરતાં જુનાગઢના વિવેક કિશોર રૂપારેલીયા તથા વિવેકના મિત્રો મુન્ના ઘુઘાભાઇ જોગરાણા, લક્ષમણ કારાભાઇ સાવલીયા અને અજાણ્યાએ અપહરણ કરી ધમકાવી રૂ. ૫૦ હજાર લૂંટી લીધા હતાં. આ અંગે ચારેય સામે ગુનો નોંધાયો હતો. જેમાં અજાણ્યો શખ્સ મેટોડાનો ધર્મેશ ઉર્ફ ધનજી હોવાનું ખુલ્યું હતું.  વિવેકે લોન ડિપાર્ટમેન્ટમાં ફરજ દરમિયાન રેખાબેન ધોકીયા નામના ગ્રાહકની સવા બે લાખની વિમા પોલીસી ચાઉ કરી લીધી હતી. એ પછી હાર્દિક ધામેચાએ આ પૈસા વિવેક પાસેથી મહિલા ગ્રાહકને પાછા અપાવ્યા હતાં. તેનો ખાર રાખી વિવેકે મિત્રો સાથે મળી હાર્દિકનું અપહરણ કરી પચાસ હજાર પડાવી લીધા હતાં. આ ગુનામાં મેટોડાના ધર્મેશને પકડી લેવાયો છે. પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. સાખરા, હેડકોન્સ. ધીરેનભાઇ માલકીયા, મોહસીનખાન મલેક, મહેશભાઇ મંઢ, હિરેનભાઇ સોલંકી, દિપકભાઇ ડાંગર, સંજયભાઇ ચાવડા, યોગીરાજસિંહ જાડેજા, કિરીટસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલા સહિતે કિરતસિંહ, યોગીરાજસિંહ અને જયપાલસિંહની બાતમી પરથી પકડી લીધો છે.

(3:16 pm IST)