Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ખોખડદળ પુલ પરથી યુવાન તણાયોઃ આજીડેમ પીઆઇ ચાવડા, પીએસઆઇ ઝાલા અને ટીમે બચાવ્યોઃ પોલીસ કમિશનરે આપ્યું રૂ. ૧૦ હજારનું ઇનામ

રાજકોટઃ ગઇકાલે ભારે વરસાદને પગલે ઠેકઠેકાણે પાણી ભરાયા હતાં. ગ્રામ્ય વિસ્તારોમાં પણ નદી કાંઠે આવેલા મંદિરો પર લોકોની ભીડ ન થાય તે જોવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ અને ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા ડીસીપી મનોહરસિંહ જાડેજાએ સુચનાઓ આપી હતી. તે અંતર્ગત આજીડેમના પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ. એમ. ઝાલા સહિતની ટીમ ખોખડદડથી પડવલા જતાં રોડ પર પેટ્રોલીંગમાં હતી અને નજીકના બાલાજી મંદિરે ત્યારે ખોખડદળના કોઝવે પરથી ધસમસતા પાણીના પ્રવાહમાં એક વ્યકિત તણાઇ ગયાની જાણ થતાં પીઆઇ, પીએસઆઇ સહિતની ટીમ તાકીદે મંદિરેથી દોરડા સાથે પહોંચી હતીઅને તણાઇ ગયેલા યુવાન દિપકભાઇ ભીખાભાઇ વાળા (રહે. ખોખડદળ)ને તાકીદે બચાવી લીધો હતો. તેનું મોટર સાઇકલ પણ પોલીસે પાણીના પ્રવાહમાંથી બચાવી લીધુ હતું. અધિકારીઓની દુરંદેશીતા અને પુર્વ તૈયારીને કારણે આજીડેમ પોલીસની ટીમે એક માનવીની જિંદગી બચાવી લીધી હતી. આજીડેમ પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ. એમ. ઝાલા, ડ્રાઇવર કિશોરભાઇ ગોકળભાઇ સહિતને આ પ્રશંસનિય કામગીરી બદલ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રૂ. ૧૦ હજારનું પ્રોત્સાહક ઇનામ આપ્યું હતું. પોલીસે લોકોને વરસાદના સમયમાં કોઝ વે પરથી કે બેઠાપુલ પરથી પગપાળા કે વાહનો સાથે પસાર નહિ થવા સુચન કર્યુ છે.

(2:56 pm IST)