Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

જુનાગઢના ગીરમાં સિંહોને રોગચાળાની આડમા બિન પ્રમાણીત વેકસીન આપવા સામે હાઇકોર્ટમાં PLI દાખલ

ગીરના રહીશ એકટીવીસ્ટ વરજાંગ કરમટાની PLIમાં હાઇકોર્ટે ફોરેસ્ટ અધિકારીને સિંહના રોગ અને વેકસીનની માહિતી વેબસાઇટ પોર્ટલ પર મુકવા આદેશ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. રપ :.. જુનાગઢ પંથકના ગીર વિસ્તારમાં રહેતા આરટીઆઇ એકટીવીસ્ટ વરજાંગભાઇ કરમટાએ તાજેતરમાં સિંહમાં રોગચાળો અટકાવવા વેકસીન આપવાના મામલે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં રીટ અરજી પીએલઆઇ દાખલ કરેલ છે.

રીટ પીટીશનમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ બિન વિભાગને ગીરના સિંહોની વસતી, સિંહોમાં જો કોઇ રોગચાળો હોય તો તેની વિગત તેમજ રોગચાળો અટકાવવા જે  વેકસીન આપેલ હોય અથવા ભવિષ્યમાં આપવાની થતી હોય તેની તમામ વિગતો ફોરેસ્ટ વિભાગની વેબસાઇટ (પોર્ટલ) ઉપર મુકવાનો હુકમ કર્યો છે.

અરજદાર વરજાંગભાઇએ જણાવ્યું છે કે ગીર પંથકમાં છેલ્લા કેટલાક વર્ષોથી સિંહનો દશા ખરાબ થતી જાય છે. વન વિભાગ દ્વારા આડેધડ વૃક્ષો કપાઇ રહયા છે વનરાજી ઘટતા વાતાવરણ પ્રતિકુલ થતા સિંહોના મોત થઇ રહ્યા છે. ગીરની આન બાન અને શાન કહેવાતા સિંહોની વસતી દિન પ્રતિદિન ઘટતી જોવા મળે છે.

તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ પણ પ્રોજેકટ લાયનની ધોષણા કરીને સિંહોને બચાવવા તેમજ સિંહોની સંખ્યા વધે. સિંહોને પુરતું રક્ષણ મળે તે જોવા અપીલ કરી છે ત્યારે ગીર પંથકમાં સિંહોની વસ્તી ઘટવા તેમના મૃત્યુનો દર વધવાની ચિંતા કરી સિંહોને રક્ષણ કરવા વરજાંગભાઇએ હાઇકોર્ટનો આશરો લીધો છે.

વરજાંગભાઇએ વધુમાં જણાવેલ છે કે હાલમાં સીડીવી અને બેબસિયો જેવા રોગના કારણો આગળ કરી જે વેકસીનેશનનો ડોઝ અમેરિકાથી મંગાવવામાં આવ્યા છે અને જે વેકસીનેશનનું પરીક્ષણ સિંહો પર થયું જ નથી એવા બિન વૈજ્ઞાનિક કાર્યો ને રોકવા અને હાલમાં સારવારના બહાના હેઠળ મોટા પાયે સિંહોને  પકડીને ડોઝ દેવા માટે રેસ્કયુ સેન્ટરમાં મોકલી દેવામાં આવી રહયા છે એને રોકવા માટે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પીએલઆઇ દાખલ કરી છે, જે ગુજરાત હાઇકોર્ટે માન્ય રાખી અને રજીસ્ટર્ડ કરી લીધી છે, અને આગળની કાયદાકીય પ્રક્રિયા ત્વરીત શરૂ થશે એવી આશા વ્યકત કરી રહ્યા છે. હાઇકોર્ટેમાં વકીલ તરીકે અનિક ટીંબળીયા પક્ષ રજૂ કરશે. તેમ અંતમાં વરજાંગભાઇએ જણાવેલ છે.

(1:00 pm IST)