Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

રાજુલા નગરપાલીકાના પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે યુવાનો બિનહરીફ

(શિવકુમાર રાજગોર દ્વારા) રાજૂલા : નગરપાલીકામાં પ્રમુખ, ઉપપ્રમુખની બિનહરીફ સર્વાનુમતે વરણી થઇ ગયેલ છે. રાજુલા નગરપાલીકામાં સૌ પ્રથમવાર કોંગ્રેસ પક્ષને ર૮ માંથી ર૭ બેઠકો સાથે જવંલત બહુમતી આવેલ પરંતુ સદસ્યોના વિખવાદને કારણે છેલ્લા અઢી વર્ષ મહિલા પ્રમુખની અનામત હોય જેમાં અવાર-નવાર પ્રમુખો સત્તાની હુસાતુસીમાં બદલતા રહેલા જેમાં ૧૮ સદસ્યોને પક્ષાંતર ધારા નીચે સસ્પેન્ડ કરવામાં આવેલા જેમાંથી ૪ સભ્યો હાલ હાઇકોર્ટના આદેશથી સભ્યપદે શરૂ છે. બાકીના ૧૪ સદસ્યો હાલ હાઇકોર્ટમાં કેસ પેન્ડીંગ છે. ત્યારબાદના અઢી વર્ષ માટે પુરૂષ બક્ષીપંચ માટે ચૂંટણી યોજાયેલ હતી જેમાં પ્રમુખ તરીકે આહીર સમાજના યુવા અગ્રણી ઘનશ્યામભાઇ લાખણોત્રા અને ઉપ્રમુખ તરીકે લોહાણા સમાજના વહેપારી અગ્રણી દિપકભાઇ ઠકકર (પીન્ટુભાઇ)ની વરણી સર્વાનુમતે થયેલ છે. આ બન્ને અગ્રણીઓ સૌ પ્રથમવાર નગરપાલીકાના સદસ્ય તરીકે ચૂંટાઇને પ્રમુખ, ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલ છે. બન્ને યુવા અને તરવરીયા હોય જેથી પ્રજાને તેઓ બન્ને ઉપર ખૂબ જ અપેક્ષાઓ શહેરની જનતા રાખી રહેલ છે. આજની પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંન્ત અધિકારી કે. એસ. ડાભીના અધ્યક્ષ સ્થાને ચીફ ઓફીસર ગૌસ્વામી મેડમ તથા પાલીકા સ્ટાફની હાજરીમાં કરવામાં આવેલ હતી. જેમાં રાજૂલા પી. આઇ. ઝાલા તથા ડુંગરના પી. એસ. આઇ. સોલંકી દ્વારા પોતાની પોલીસ સ્ટાફ સાથે બંદોબસ્ત ગોઠવેલ હતો.

(12:55 pm IST)