Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

દ્વારકા પાલિકાના પ્રમુખપદે જયોતિબેન સામાણી તથા ઉપપ્રમુખપદે પ્રકાશભાઇ વાઘેલા બીનહરીફ વરણી

ભાજપ મોવડી મંડળ તથા પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે નવનિયુકત પ્રમુખ-ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યા

તસ્વીરમાં નવનિયુકત પ્રમુખ જયોતિબેન સામાણી સહિતનાં નજરે પડે છે. (તસ્વીર : દિપેશ સામાણી -દ્વારકા)

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા.રપ :  નગરપાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારી ભેટારીયાના અધ્યક્ષસ્થાને પાલિકાના નવા પ્રમુખ-ઉપપ્રમુખની નિયુકિત માટે બેઠક યોજાયેલ. જેમાં પાલિકાના ર૮ માંથી ર૭ સભ્યો ઉપસ્થિત રહેલ. જેમાં પ્રમુખપદે જયોતિબેન સામાણી અને ઉપપ્રમુખપદે પ્રકાશ વાઘેલાએ ફોર્મ ભરતા અને હરીફમાં અન્ય ફોર્મ નહી આવતા પ્રમુખપદે જયોતિબેન સામાણી તથા ઉપપ્રમુખપદે પ્રકાશ વાઘેલાની બીનહરીફ વરણી થયેલ. જેને પાલિકાના ભાજપના સર્વે સદસ્યોએ આવકારેલ. આ પ્રસંગે ભાજપના નિરીક્ષકો દિનેશભાઇ દતાણી, અશોકભાઇ કાનાણી, દ્વારકા શહેર પ્રભારી રમેશભાઇ હેરમા, પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ અને નવા વરાયેલા પ્રમુખ -ઉપપ્રમુખને અભિનંદન પાઠવેલ છે.

લોહાણા પરિષદના પ્રમુખ પ્રવિણભાઇ ટી. કોટક, મંત્રીઓ હરીશભાઇ ઠક્કર પિયુષભાઇ ગંઠા સહિતનાએ શુભેચ્છા પાઠવી છે.

''અકિલા''ના પત્રકાર દિપેશ વિનુભાઇ સામાણીના કાકી જયોતિબેન સામાણીની પ્રમુખપદે વરણી થતાં પત્રકારો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

ભાજપની વણથંભી વિકાસયાત્રાને વધુ વેગ મળશે : પબુભા

દ્વારકા નગર પાલિકાના નવનિયુકત પ્રમુખ -ઉપપ્રમુખને અભિનંદન પાઠવતા ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુધા માણેકે મીડીયા સમક્ષ જણાવેલ કે દ્વારકા નગરપાલિકામાં અગ્રઉના ભાજપના શાસનમાં જે રીતે યાત્રધામ દ્વારકાના વિકાસ થયો છે તેના કરતા વધુ પ્રમાણમાં વિવિધ યોજનાઓના માધ્યમથી વિકાસ કામો થશે અને નવા વરાયેલા પ્રમુખ જયોતીબેન સામાણી અગાઉ પાલિકાના પ્રમુખપદે રહી ચુેકલા હોઇ તેમના બહોળા અનુભવનો લાભ શહેરની જનતાને અવશ્ય મળશે અને પાલિકાના સભ્યો સાથે કદમ મીલાવીને વણથંભી વિકાસયાત્રાને વેગ આપવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે તેવી તેમણે ખાતરી આપેલ.

દ્વારકાવાસીઓની પ્રાથમિક સુવિધાઓને અગ્રતા : જયોતિબેન

નવા વરાયેલા પ્રમુખ જયોતિબેન જણણાવેલ કે, ભાજપના પદાધિકારીઓ, સંગઠનના હોદેદ્દોરો તથા નગરપાલિકાના ચૂંટાયેલા સર્વે સદસ્યોએ મને પ્રમુખ તરીકેનું બહુમાન મેળવવામાં સહકાર આપેલ છે. તે બદલ દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. વધુમાં તેમણે જણાવેલ કે હાલમાં કોરોનાની મહામારીને કારણે દ્વારકાની જનતા ખુબ જ સંઘર્ષમયી પરિસ્થિતિમાં જીવન પસાર કરે છે અને દ્વારકાધીશના દર્શનાર્થે આવતા યાત્રિકો પર નિર્ભર છે. ત્યારે કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓમાંથી દ્વારકા શહેરના વિકાસને વધુ વેગ મળે ઉપરાંત દ્વારકાની જનતાની સુખાકારીમાં વધારો થાય અને રોજગારીની વિપુલ તકો આપણા વિસ્તારમાં ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરીશ અને પાલિકા દ્વારા અપાતી લાઇટ, પાણી, રસ્તા અને આરોગ્ય વિષયક પ્રાથમિક સુવિધાઓથી સમગ્ર દ્વારકા શહેરનો કોઇપણ વિસ્તાર વંચિત ન રહી જાય તે મારી પ્રાથમિકતા રહેશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા લોહાણા સમાજમાં ફેલાઇ હર્ષની લાગણી

દ્વારકા નગર પાલિકાના પ્રમુખપદે લોહાણા મહિલા જયોતિબેન સામાણીની નિમણુંક થતા દ્વારકા લોહાણા સમાજમાં હર્ષની લગાણી ફેલાઇ છે. એક દાયકા બાદ ફરી વખત લોહાણા સમાજને નગરપાલિકાનું પ્રતિનિધિત્વ સંભાળવાની સોનેરી તક મળેલ હોય લોહાણા જ્ઞાતિના આગેવાનોમાં ખુબ જ ઉત્સાહ સાથે હર્ષની લાગણી ફેલાઇ છે. લોહાણા મહિલા જયોતિબેન સામાણીની નિમણુંકને દ્વારકા ઉપરાંત ઓખા, મીઠાપુર, સુરજકરાડી, ભાટીયા, કલ્યાણપુર, ખંભાળીયા સહિતના ગામોમાં રઘુવંશી સમાજના આગેવાનોએ આવકારી શુભેચ્છાઓ પાઠવેલ છે. આ ઉપરાંત દ્વારકા શહેરના યુવાન રઘુવંશી કાર્યકરોએ દ્વારકાધીશનું ઉપરણું ઓઢાડીને નવનિયુકત પાલિકા પ્રમુખને શુભેચ્છા પાઠવેલ છે.

(11:59 am IST)