Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

કુતિયાણા પાલિકા પ્રમુખ ઢેલીબેન ઓડેદરા તથા ઉપપ્રમુખપદે બાબુભાઇ ઓડેદરા બિનહરિફ

(નલીન છુછિયા દ્વારા) કુતિયાણા, તા.રપ : પાલિકાના પ્રમુખપદે ઢેલીબેન ઓડેદરા તથા ઉપપ્રમુખપદે બાબુભાઇ ઓડેદરા બિનહરિફ ચૂંટાઇ આવ્યા છે.

નગર સેવા સદનની પ્રમુખ તથા ઉપપ્રમુખની ફરી વખત અઢી વર્ષની સુધી માટે ચૂંટણી યોજાઇ હતી. પ્રાંત અધિકારી એ.જે. અંસારીની અધ્યક્ષતામાં નગર સેવા સદનના ચીફ ઓફીસર શ્રી શિયાણી, વિપુલભાઇ જોષી તથા નગર સેવા સદનના કર્મચારીગણ ઉપસ્થિત રહેલ. તેમજ કુતિયાણા તા. ભાજપ તથા શહેર ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રમુખશ્રી તરીકે ઢેલીબેન ઓડેદરાના નામની દરખાસ્ત ચનાભાઇ ખુંટી દ્વારા રજૂ કરવામાં આવેલ જેને ગોરધનદાસ હોલારામ દ્વારા ટેકો આપવામાં આવેલ અને તમામ સભ્યોની સર્વસંમતિ ફરી વખત બીજી ટર્મની મુદત માટે પ્રમુખપદ માટે ઢેલીબેન માલદેભાઇ ઓડેદરાની વરણી કરવામાં આવેલ.

ઉપપ્રમુખપદ માટે અઢી વર્ષની મુદત માટે ફરી વખત બાબુભાઇ લીલાભાઇ ઓડેદરાને રીપીટ કરવામાં આવેલ જેના નામની દરખાસ્ત પ્રતાપભાઇ દ્વારા રજુ કરવામાં આવેલ અને ભોજાભાઇ ઓડેદરાએ ટેકો આપતા તમામ સભ્યોની સર્વે સંમતિથી બાબુભાઇ લીલાભાઇ ઓડેદરાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ. પ્રમુખશ્રી ઢેલીબેન ઓડેદરા દ્વારા શહેરના પાયાની જરૂરીયાતો પૂર્ણ થાય તેવા પ્રયત્નો કરવામાં કોઇ કચાસ નહીં રખાય તેવી તેમજ નાગરિકોને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે અમે હંમેશા પ્રયત્નશીલ છીએ તેમ જણાવ્યું હતું.

(11:59 am IST)