Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ઉપલેટાના ભીમોરા ગામના ખેતરમાં ૮-૮ ફુટ પાણીમાં ૩-મજૂરો આખી રાત બેસી રહ્યા : વહેલી સવારે તંત્રનું ઓપરેશન

જૂનાગઢથી બોટ બોલાવી હેમખેમ પરત લવાયાઃ મામલતદાર સહિતના તંત્રો ખડેપગે : ગોંડલથી SDRF ની ટીમના જવાનો દોડી ગયા'તાઃ કૂલ ૬ ગામના રપ૦ લોકોનું સ્થળાંતર : ભીમોરાની બાજુમાં લાઠ ગામે મામલતદાર ટીડીઓ-પીએસઆઇ પણ ફસાયાઃ આખી રાત બેસી રહ્યાઃ બાદમાં વહેલી સવારે ઓપરેશન હાથ ધરી બોટ મારફત મજૂરોને બહાર કઢાયા : ત્રણ મજૂરો આખી રાત ઝાડ ઉપર બેસી રહ્યાઃ ખેતરના માલીકને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ નોટીસ ફટકારાઇ

રાજકોટ તા. રપઃ ઉપલેટા પંથકમાં બે દિ' પહેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે ભીમોરા-ગણોદ-વાસંગજાળીયા સહિતના ૬ ગામો અને ખેતરો જળબંબોળ બની ગયા હતા.

દરમિયાન ભીમોરા ગામના ખેતરમાં એક દંપતિ સહિત એક જ કુટુંબના ત્રણ મજુરો ખેતરોમાં ૮ થી ૧૦ ફુટ પાણીને કારણે ફસાઇ જતા તમામના જીવ ઉંચા થઇ ગયા હતા.

ઉપલેટા મામલતદાર-પોલીસ-નગર પાલિકા-પંચાયતની ટીમો દોડી ગઇ હતી, પરંતુ લાઠ ગામથી આગળ જઇ શકાય તેમ ન હતું, મામલતદાર-ટીડીઓ પીએસઆઇ પણ આખી રાત લાઠ ગામે ફસાઇ ગયા હતા, આ દરમિયાન જે મજૂરો ફસાયા હતા તે ત્યાં ખેતરના ઢોરા ઉપર ચડી ગયા પરંતુ પાણી વધતા ઝાડ ઉપર ચડી ગયા હતાં, આ દરમિયાન ગોંડલથી એસડીઆરએફના જવાનો અને જુનાગઢથી બોટ મંગાવાઇ હતી અને આજે વહેલી સવારે ફસાયેલ ત્રણેય મજૂરોને બોટ મારફત હેમખેમ પરત લવાયા હતા.

દરમિયાન એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ ''અકિલા''ને જણાવ્યું હતું કે, પાણી ભરાયા તેના એક દિવસ અગાઉ તંત્ર દ્વારા ખેતરોમાં ન જવા અને કોઇને જવા નહિ દેવા એવી ચેતવણી અપાઇ હતી, આમ છતાં ભીમોરાના આ ખેતરમાં મજૂરો ગયા, આથી આ સંદર્ભે પ્રાંત દ્વારા ખેતરના માલિકને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ નોટીસ ફટકારાઇ છે અને ગુન્હો પણ નોંધવામાં આવશે.

એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ ઉમેર્યું હતું કે, ઉપલેટા પંથકના કુલ પ થી ૬ ગામોમાં પાણી ભરાતા કુલ ર૪ર લોકોનું સ્થળાંતર કરાયું છે, હવે પાણી ઓસરતા તમામ લોકો પોતાના ઘરે પરત ફરી ગયા છે.

(11:57 am IST)