Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

જામકંડોરણાનો ફોફળ ડેમ ૩ ફુટે ઓવરફલો

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા તા. રપ :.. જામકંડોરણામાં છેલ્લા બે દિવસમાં પાંચ ઇંચ વરસાદ પડેલ છે. જેમાં કાલે સોમવારે એકજ દિવસમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ પડી ગયો હતો આ સાથે મોસમનો કુલ વરસાદ ૧૧૦૧ મી. મી. થયેલ છે. સમગ્ર પંથકમાં આ ભારે વરસાદથી જામકંડોરણાની ઉતાવળી નદી, સાણ નદી તથા ફોફળ નદી ગાંડીતૂર બની હતી. જામકંડોરણાની જીવાદોરી સમાન ફોફળ ડેમ સમગ્ર પંથકમાં ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના લીધે કાલે સોમવારે બપોરે ભયજનક સપાટીએ પહોંચી ગયો હતો અને ૭.પ૦ ફુટે ઓવરફલો થયો હતો અને ખેતરો, નદી નાળા રસ્તાઓ પર જયાં જુઓ ત્યાં સર્વત્ર પાણી...પાણી જોવા મળી રહ્યું હતું તંત્ર દ્વારા ફોફળ ડેમની નિચાણવાળા વિસ્તારના ગામો દૂધીવદર, ઇશ્વરીયા, તરવડા, વેગડીના ગામોને સાવચેત કરાયા હતાં. ભારે વરસાદના પગલે જામકંડોરણા મામલતદાર આર. જી. લુણાગરીયાએ તાલુકાના તલાટી મંત્રીઓ તેમજ સરપંચોને સાવચેત રહેવા સુચના આપી હતી. આજે સવારે પણ ધીમીધારે ઝરમર વરસાદ વરસવાનું ચાલુ છે. હાલમાં ફોફળ ડેમમાં ત્રણ ફુટ ઓવરફલો ચાલુ છે.

(11:54 am IST)