Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

વાંકાનેરનો મચ્છુ-૧ ડેમ ઓવરફલો

મચ્છુ નદી-પતાળીયા વોકળામાં ઘોડાપુર : શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર અડધુ પાણીમાં

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. રપ : ગઇકાલ વહેલી સવારથી મંડારાયેલો મેઘો તા. ર૪ના બપોર સુધી હળવા-ભારે ગતિથી વરસી રહ્યો હતો. સતત ચાલુ રહેલા વરસાદ અને ઉપરવાસના સારા વરસાદથી વાંકાનેર અને કુવાડવાના ગ્રામ્ય વિસ્તારને પીવાનું પાણી પુરૂ પાડતો મચ્છુ ડેમ-૧ કે જેની ઉંચાઇ ૪૯ ફુટની છે તે સારા વરસાદને લઇને ગત મોડી રાત્રે ઓવરફલો થઇ ગયો છે. પોણા ત્રણ ફુટથી ઓવરફલો થતા મચ્છુ ડેમ-૧ના નવા નીરથી વાંકાનેર શહેર મધ્યેથી પસાર થતી મચ્છુ નદી અને પતાળીયા વોકળામાં ઘોડાપુર આવ્યા છે. પતાળીયા નદીના કિનારે બીરાજતા શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં પુરના પાણી ફરી વળતા મંદિરમાં કેડ સમાણા પાણી ભરાય ગયા હતાં.

સતત ૩૦ કલાક ચાલુ રહેતા ૧૦ ઇંચ રપ૦ મી.મી. વરસાદ ત્રીસ કલાકમાં વરસી જતા અનેક શેરીઓમાં ગોઠણ ડુબ પાણી ભરાયા હતા. આઇશ્રી ખોડીયાર માતાજીનું ધામ માટેલ ગામે શ્રી ખોડીયાર ધરો ઓવરફલો થતા મંદિર અને ગામમાં પાણી ફરી વળ્યા હતાં. મંદિર નીચેના ભાગે આવેલી દુકાનો પોણા ભાગની પાણીમાં ગરક થઇ ગઇ હતી. લુણસર ગામમાં પણ સાંબેલાધારે મેઘમહેર થઇ હતી ત્યાં પણ ૧૪ થી ૧પ ઇંચ વરસાદના વાવડ મળી રહ્યા છે. વાંકાનેરથી જડેશ્વર મહાદેવ મંદિરે જતાં વચ્ચે ડુગરાઓની હારમાળા વચ્ચે આવેલ વડસર તળાવ પણ ઓવરફલો થતા નયનરમ્ય દૃશ્યો જોવા મળેલ. ગ્રામ્ય પંથકમાં સતત વરસતા વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને પગલે હાઇવે પાસેના સર્વિસ રોડ તેમજ વાંકાનેર-રાજકોટને જોડતો મુખ્ય એવો રોડનું ધોવાણ થઇ ગયું છે. ઠેકઠેકાણે મોટા-મોટા ખાડાઓ ગાબડાઓ પડી જવાથી અકસ્માતો થવાના બનાવો બની રહ્યા છે સાથે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ રસ્તો તાકીદે રીપેરીંગ કરી ખાડાઓ બુરવા અને ચોમાસા બાદ નવો બનાવવો પડે તેવી સ્થિતિ થઇ ગઇ છે. તંત્ર તાકીદે જાગે અને રસ્તાની મરામત કરે તેવું પ્રજા ઇચ્છી રહી છે.

(11:51 am IST)