Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

જામનગર : પાક વિમાના આંકડા જાહેર કરવા વિક્રમભાઇ માડમ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

(મુકુંદભાઇ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૫ : ધારાસભ્ય વિક્રમભાઇ માડમે પાકવિમાના આંકડાઓ હિસાબ જાહેર કરવા અથવા ૪ વર્ષનો ખેડૂતોનો હકકનો પાકવિમો ચુકવવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

વર્ષ ૨૦૧૬થી અમલમાં આવેલ પ્રધાનમંત્રી વિમા ફસલ યોજના ખેડૂતો માટે લુટનારી યોજના પુરવાર થઇ રહી છે. ખેડૂતો ર% કે પ% વીમા પ્રિમીયમ ભરી સામે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર સંયુકત રીતે ૫૦% જેટલુ માતબર વિમા પ્રિમીયમ પાક કંપનીઓને ચુકવે છે જે જનતાની તિજોરીના નાણા સરકારની માનીતી કંપનીઓને આપવાનુ કાયદેસરનું ષડયંત્ર છે. કોઇપણ પ્રકારના વિમામાં ૫૦% પ્રિમીયમ આપવાની ઘટના વિશ્વમાં આ પહેલી છે. આટલુ ઉંચુ વિમા પ્રિમીયમ આપ્યા બાદ પણ જો ખેડૂતોને પાક વિમો ન મળે તો એનો હિસાબ ન મળે કે પાક વિમાના આંકડાઓ પણ ન મળે તે સ્પષ્ટ સાબિત કરે છે કે કેન્દ્ર સરકાર રાજય સરકાર અને પાકવિમા કંપની સાથે મળી જનતાના નાણા લુટવાનું એક મોટુ ષડયંત્ર છે.

પ્રધાનમંત્રી પાકવિમા યોજનામાં ખેડૂતોને કાયદેસર મળવાપાત્ર પાકવિમો ન આપી પાકવિમાનો હિસાબ ન આપી તેના આંકડાઓ જાહેર ન કરી રાજય સરકાર કૌભાંડ કરી રહી છે. તેનો હિસાબ આપવામાં આવે તેવુ કોંગ્રેસપક્ષના સંનિષ્ઠ ધારાસભ્યશ્રીઓએ વિધાનસભાના ફલોર પર અને વિધાનસભાની બહાર અનેક વખત કહ્યુ છે મુખ્યમંત્રીશ્રી અને કૃષિમંત્રીશ્રીઓનું અનેક વખત ધ્યાન દોર્યુ તેમ છતા સરકાર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવાને બદલે કેન્દ્ર સરકારની ગાઇડ લાઇનથી ઉપરવટ જઇ પાકવિમાના પત્રકો આંકડાઓ પણ ત્રણ વર્ષ સુધી જાહેર ન કરવાનો મનમાની ભરેલો પરિપત્ર કરવામાં આવ્યો તે સાબિત કરે છે કે સરકાર ઢાંકપિછોડા કરવામાં વ્યસ્ત છે.

માત્ર ૪ વર્ષમાં જ ૫૦ થી ૬૦ હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર મિલીભગતથી થયો છે જો ભ્રષ્ટાચાર ન થયો હોય તો રાજયસરકાર ઉપરોકત ૪ વર્ષના દરેક ઋતુના કોપ કટીંગના પત્રકો તેના આંકડાઓ એવાય અને ટીવાય જાહેર કરે. ગુજરાતના ખેડૂતો હિસાબ કરી લેશે કે કયા ખેડૂતને કયા વર્ષમાં કઇ ઋતુમાં કયા પાકનો કેટલો મળવાપાત્ર હતો અને તેની સામે કેટલો મળ્યો છે. સરકાર પાસેથી વિરોધપક્ષ તરીકે પારદર્શક વહીવટની અપેક્ષા રાખીએ છીએ અને અમને વિશ્વાસ છે કે સરકાર ૪ વર્ષના પાકવિમાના તમામ પત્રકો, આંકડાઓ અને હિસાબ આપી હાઇકોર્ટના સીટીંગ જજની તપાસ સમિતિ બનાવી તેમની પાસે તપાસ કરાવી પોતાની પારદર્શીતા સાબિત કરશે તેમ રજૂઆતમાં વિક્રમભાઇ માડમે જણાવેલ છે.

(11:49 am IST)