Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ચલાલા નગરપાલિકાના પ્રમુખપદે ગીતાબેન કારીયા ઉપપ્રમુખ ચુંટાતા જયરાજ વાળા

નગરપાલીકામાં ભાજપને પુર્ણ બહુમતી હોવા છતા કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખેલ પણ પછડાટ મળી

(પ્રકાશ કારીયા દ્વારા) ચલાલા તા.રપ : ચલાલા ન.પા.ના પ્રમુખ ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પુરી થતા આવતા અઢી વર્ષના પ્રમુખ - ઉપપ્રમુખની ચુંટણી ગઇકાલે પ્રાંત અધિકારી ધારીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

અત્યારે ન.પા. વોર્ડમાં ૧૭ સભ્યો ભાજપના અને ૭ સભ્યો કોંગ્રેસના કાર્યરત છે અને સતા સ્થાને ભાજપ છે. જયારે આવતા અઢી વર્ષના પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી યોજાતા ભાજપ તરફથી ગીતાબેન પ્રકાશભાઇ કારીયાની પ્રમુખ તરીકેની પસંદગી કરાઇ છે. ગીતાબેન કારીયાએ પ્રમુખપદ માટે ફોર્મ ભરેલ. જયારે ઉપપ્રમુખ પદે જયરાજભાઇ વાળાએ ભારતીય જનતા પાર્ટી પાસે પુરતી બહુમતી હોવા છતા કોંગ્રેસ દ્વારા પ્રમુખ પદ માટે કમળાબેન ખુંટનું અને ઉપપ્રમુખ પદ માટે રમેશભાઇ ભાલાળા તરફથી ફોર્મ ભરાતા ચુંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ગીતાબેન કારીયા અને જયરાજભાઇ વાળાને સતર મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવારોને માત્ર પાંચ મત મળતા ભાજપના પ્રમુખ તરીકે ગીતાબેન કારીયા અને ભાજપના ઉપપ્રમુખ જયરાજભાઇ વાળાનો જવલંત વિજય થયો હતો. જયારે કોંગ્રેસનો કારમો પરાજય થતા ભાજપમાં ખુશીનો માહોલ છવાયો હતો.

કોરોનાના કારણે વિજય સરઘસ, ઢોલનગારા સહિતના કાર્યક્રમો મોકુફ રખાયા હતા. નવા પ્રમુખ ઉપપ્રમુખને ચલાલા શહેરની તમામ સામાજીક સંસ્થા, સમાજના આગેવાનો, યુવા કાર્યકરો સહિતનાઓએ ફુલહાર અને મો મીઠા કરાવી સન્માનીત કર્યા હતા જયારે નવા વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખે આવતા અઢી વર્ષ માટે ચલાલા શહેરની જવાબદારી સોપવા બદલ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત તમામ ગુજરાત પ્રદેશ ભાજપના તમામ આગેવાનો, જીલ્લા તાલુકાના સભ્યશ્રીઓનો આભાર વ્યકત કર્યો હતો.ચુંટણી દરમિયાન ચલાલા પીએસઆઇ લકકડ અને પોલીસ સ્ટાફે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવતા કોઇ અનિચ્છનીય બનાવી બન્યો ન હતો.

(11:48 am IST)