Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

નરસિંહ મહેતા યુનિ.દ્વારા ઓનલાઇન પીએચડી કોર્ષવર્કનું ઉદઘાટન

જૂનાગઢ : ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.જૂનાગઢ, ગુજરાત યુનિ. અમદાવાદ અને ચિલ્ડ્રન્સ યુનિ. ગાંધીનગરના સંયુકત ઉપક્રમે ઓનલાઇન પીએચડી કોર્સનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિ. જૂનાગઢના કુલપતિશ્રી પ્રો.(ડો.) ચેતનભાઇ ત્રિવેદી, ગુજરાત યુનિ., અમદાવાદના કુલપતિશ્રી પ્રો.(ડો.) હિમાંશુભાઇ પંડયા, ચિલ્ડ્રન્સ યુનિ. ગાંધીનગરના કુલપતિ હર્ષદભાઇ શાહ અને યુજીસી એચઆરડીસી ગુજરાત યુનિ.ના ડીરેકટર પ્રો.(ડો.) જગદીશભાઇ જોશી હાજર રહેલ હતા. કેબીનેટ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અનિવાર્ય કારણોસર હાજર ન રહી શકતા સંદેશા દ્વારા તેમને સમગ્ર કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં યુનિ.ને ફેસબુકના માધ્યમથી લાઇવ કરવામાં આવેલ. જેમાં રજીસ્ટ્રારશ્રી, ભવનોના અધ્યક્ષશ્રીઓ, એકઝીકયુટીવ કમિટીના સભ્યશ્રીઓ, આચાર્યશ્રીઓ, રીસર્ચ સુપરવાઇઝરશ્રીઓ, રીસર્ચ સ્કોલર્સ તેમજ સંશોધનમાં રસ ધરાવતા ૩૦૦૦ લોકો જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના સ્વાગત બાદ ભકતકવિ નરસિંહ મહેતાના વિશ્વ પ્રસિધ્ધ ભજન વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઇ જાણે રે, થી કરાઇ હતી. પ્રો.(ડો.) જગદીશભાઇ જોશીએ તેમના વકતવ્યમાં નવી શિક્ષણ નિતિમાં ઓનલાઇન શિક્ષણનું મહત્વ, આ કોર્ષવર્કમાં સમાવિષ્ટ મોડયુલ્સ અને વિદ્યાર્થીઓની જવાબદારીઓની વિસ્તૃત વાત કરેલ. ભકતકવિ નરસિંહ મહેતા યુનિ. કુલપતિ પ્રો.(ડો.)ચેતનભાઇ ત્રિવેદીએ સમગ્ર કોર્સવર્કની માહિતી આપતા જણાવેલ કે આવા પ્રકારનો કોર્સવર્ક કે જેમાં માતૃભાષા સજજતા માટેનો પુરક અભ્યાસક્રમ (એડ ઓન કોર્સ) તેમજ રીસર્ચ એન્ડ પબ્લીકેશન એથીકસના મોડયુલ્સનો પણ સમાવેશ કરવામાં આવેલ હોય તેવો કદાચ સમગ્ર દેશમાં આ પ્રથમ કોર્સવર્ક હશે. ચિલ્ડ્રન્સ યુનિ.ના કુલપતિ શ્રી હર્ષદભાઇ શાહ દ્વારા નવી શિક્ષણનિતીમાં માતૃભાષાને આપવામાં આવેલ મહત્વ અને માતૃભાષા સજજતાના પંદર કલાકના પુરક અભ્યાસક્રમની વિસ્તૃત માહિતી અપાઇ હતી. ગુજરાત યુનિ.ના કુલપતિ પ્રો.(ડો.) હિમાંશુભાઇ પંડયા નેટવર્ક સમસ્યાને લીધે કાર્યક્રમના અંત સમયે જોડાય ન શકતા ફોન દ્વારા વિદ્યાર્થીઓ ગુણવતાયુકત સંશોધન કરે તેવો સંદેશ પાઠવેલ હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંગ્રેજી વિભાગના અધ્યક્ષ અને કો-ઓર્ડીનેટર ડો.ફિરોઝભાઇ શેખ દ્વારા કરવામાં આવેલ હતુ. ઓનલાઇન પીએચડી કોર્ષવર્કનું ઉદઘાટન સમારંભની તસ્વીરો.

(11:47 am IST)