Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

કરોડો રૂપિયાના ખર્ચે ભાવનગરના વિકાસના થઇ રહેલા કામોની માહિતીની વિગતો આપતા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી

સૌની યોજના અંતર્ગત ગૌરીશંકર સરોવર ટૂંક સમયમાં ભરાશે

(મેઘના વિપુલ હિરાણી)ભાવનગર, તા.૨૫:ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષશ્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણીએ આજે સરકીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં ભાવેણાના ચોતરફ થઈ રહેલા વિકાસના કામો તેમની હાલની સ્થિતિ, પ્રગતી અને વિવિધ બાબતોએ વિસ્તૃત માહિતી આપી હતી આ ઉપરાંત ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમારસિંહજીની ભાવેણાને મળેલ અદભુત ભેટ સમાન ગૌરીશંકર સરોવર ( બોરતળાવ)ને સૌની યોજના નીચે નર્મદાના પાણીથી ભરવાના કાર્યની માહિતી આપી હતી અને ટુક સમયમાં મહારાજાએ આપેલ તળાવને નર્મદાના પાણીથી મહી પરીએજના પાણીથી ભરી ભાવનગરનો કાયમ માટે પાણીનો પ્રશ્ન હલ થવાનો આશાવાદ વ્યકત કર્યો હતો. આ ઉપરાંત ભાવનગર અમદાવાદ હાઇવે, ત્રણ તરફથી ભાવનગરના પ્રવેશદ્વારો અમદાવાદ સાથે આધુનિકતા સાથે જોડાવા જઇ રહ્યા છે તેની વિગતો, નેશનલ હાઇવે ભાવનગર અમદાવાદ, ભાવનગર સોમનાથ, ભાવનગર રાજકોટ સહિતના માર્ગોની ઝીણવટભરી વિગતો-માહિતી આજની પત્રકાર પરિષદમાં આપી હતી આજની પત્રકાર પરિષદમાં શ્રી જીતુભાઇ વાઘાણી ઉપરાંત મેયરશ્રી મનહરભાઈ મોરી, પક્ષના મહામંત્રીશ્રીઓ સર્વશ્રી મહેશભાઈ રાવલ, શ્રી વનરાજસિંહ ગોહિલ, શ્રી રાજુભાઇ બામભણીયા, બોટાદના પ્રભારીશ્રી અને પૂર્વ પ્રમુખશ્રી અમોહભાઈ શાહ, ડે. મેયરશ્રી અશોકભાઈ બારૈયા, નેતાશ્રી પરેશભાઈ પંડ્યા, શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી નિલેશભાઈ રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પત્રકાર પરિષદમાં માહિતી આપતાશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજાશાહી વખતથી ભાવનગરના દુરદ્રષ્ટા રાજવીશ્રી કૃષ્ણકુમાર સિંહજીએ અણમોલ ભેટ તરીકે ગૌરીશંકર સરોવર ભાવેણાને ભેટ આપ્યું છે ત્યારે ઘણા વર્ષો સુધી આ સરોવર ભાવનગરની જીવાદોરી રહ્યું છે આજે પણ શહેરના વિતરણ થતા પાણીનો મોટો હિસ્સો આ તળાવમાંથી પ્રાપ્ત થાય છે ઉપરાંત શહેરનું પર્યટન સ્થળ પણ છે ત્યારે મહારાજની યાદી ભાવેણા સાથે કાયમ જીવંત રહે અને તેની રમણીયતા અને લાભો કાયમ માટે ભાવનગરની મળે તે રીતે આ સરોવર માત્ર વરસાદના પાણી પર નિર્ભર ના રહે અને વર્ષભર નર્મદાના પાણીથી છલકાતું રહે તે માટે સૌની યોજના અંતર્ગત બોરતળાવ ને ભરવા માટે રાજયના સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે ભાવનગરની જનતાની લાગણી સાંભળી તાત્કાલિક મંજૂરી આપેલ અને આજે રૂપિયા ૧૪૬ કરોડના ખર્ચે હાલ કામ ચાલુ છે જેમાં વિકળિયાથી (રંઘોલા)થી ૫૩ કિ.મી.ની લાઈન નંખાઈ રહી છે.

આગામી દિવસોમાં ભાવનગરની રોડ કનેકિટવિટી પૂર્ણ થતાં ભાવનગરમાં વિકાસના અનેક નવા દ્વાર ખુલશે જે એક નવો ઇતિહાસ લખાશે તેઓએ છાશ વારે સોશિયલ મીડિયા કે અન્ય મીડિયા થકી ભાવનગરની નેગેટિવ ઇમેજ ઉભી કરનારા તત્વો સામે રોષ વ્યકત કર્યો હતો અને ભાવનગરના વિકાસમાં સૌને સાથે મલી એક દિશામાં સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરતા ટિમ ભા.જ.પા.ને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભાવનગર તેની નવી ઓળખ ઉભી કરશે એટલા વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને ચોતરફથી ભાવનગરનો વિકાસ નજરે આવશે.

આમ આગામી દિવસોમા થનારા વિકાસના કાર્યો અને તેની હાલની સ્થિતિ ઉપરાંત ભવિષ્યમાં તેના પર થનારા કામની વિગતો આપી હતી.

(11:37 am IST)