Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

બજારમાં આવો ૧૦ સેકન્ડમાં પતાવી દઇશ...

આટકોટમાં જમીન પ્રશ્ને વેપારી પિતા-પુત્રને ધમકીઃ ઘરના દરવાજા ઉપર પાઇપ માર્યા

આટકોટના ઘુઘા ભરવાડ તથા જંગવડના અશોક કોળી સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. રપ :.. જસદણના આટકોટમાં જમીન પ્રશ્ને વેપારી પિતા-પુત્રને બે શખ્સોએ મારી નાખવાની ધમકી આપી ઘરના દરવાજા ઉપર લોખંડના પાઇપ મારી નુકશાન કરતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ય વિગતો મુજબ આટકોટના કૈલાશનગરમાં રહેતા વેપારી પ્રવિણભાઇ વિઠ્ઠલભાઇ ખોખરીયાએ ઘુઘા લઘરાભાઇ ભરવાડ રે. આટકોટ તથા અશોક ગોબરભાઇ કોળી રહે. જંગવડ સામે આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના પિતા સર્વે નં. રપ૮ ની ખેતીની જમીન વાવતા હોય તેમાંથી એક વિઘા જેટલી જમીન ઘુઘા ભરવાડએ કબ્જે કરતા આ જમીન ખાલી કરવા ફરીયાદીના પિતાએ  અરજી કરતા તેનો ખાર રાખી ઘુઘા ભરવાડ તથા અશોક કોળીએ ફરીયાદીના ઘરે આવી બજારમાં આવ તને દશ સેકન્ડમાં મારી નાખીશ તેવી ધમકી આપી જતા રહ્યા હતા અને બાદમાં બન્નેએ ફરી લોખંડના પાઇપ સાથે ઘસી આવી ફરીયાદી તથા તેના પિતાને મારી નાખવાની ધમકી આપી ઘરના દરવાજા ઉપર પાઇપ મારી નુકશાન કર્યુ હતું.

આ ફરીયાદ અન્વયે આટકોટ પોલીસે ઉકત બંન્ને શખ્સો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:17 am IST)