Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

વિસાવદર પાલિકાના પ્રમુખ પદે ભાજપના કૌશિક વાઘેલા - ઉપપ્રમુખપદે ઘનશ્યામ ડોબરીયા ચૂંટાયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૫ : વિસાવદર નગર પાલિકાનાં પદાધિકારીઓની ચૂંટણીમાં કોંગ્રેસનાં જ બે સદસ્યોએ ભાજપ તરફી મતદાન કરતા કોંગ્રેસે પીછેહઠ કરવી પડી છે જેનાં પરિણામે કોંગી છાવણીમાં સોપો પડી ગયો છે અને ભાજપ છાવણી ગેલમાં આવી ગઇ છે.

ગઇકાલે સોમવારે બપોરે ૧૧ કલાકે ટાઉન હોલ ખાતે પ્રાંત અધિકારીનાં અધ્યક્ષ સ્થાને વિસાવદર નગર પાલિકાનાં પ્રમુખ તથા ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. પ્રમુખપદ 'પછાત વર્ગ' માટે અનામત હોય, કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે શ્રીમતિ ઉષાબેન જયદીપભાઇ દાહીમા તથા ભાજપનાં ઉમેદવાર તરીકે કૌશિકભાઇ બાબુભાઇ વાઘેલાએ ફોર્મ ભર્યું હતું.જયારે ઉપપ્રમુખ પદ 'સામાન્ય' હોય, કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે શ્રીમતિ ગીતાબેન મનીષભાઇ રિબડીયા તથા ભાજપનાં ઉમેદવાર તરીકે ઘનશ્યામભાઇ પોપટભાઇ ડોબરીયાએ ફોર્મ ભર્યું હતું.

કુલ-૨૪ સદસ્યો પૈકી કોંગ્રેસનાં ૧૩ અને ભાજપનાં ૧૧ હોય,કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી ધરાવતુ હોય, પરંતુ મતદાનવેળાએ કોંગ્રેસનાં બે સદસ્યોએ ભાજપ તરફી મતદાન કરતા બાજી પલટાઇ હતી અને લગભગ બે દાયકાથી વધુ સમયથી પાલિકા પર પ્રવર્તતા કોંગી શાસનનો અંત આવ્યો હતો.

કોંગ્રેસને પરાસ્ત કરવા જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને તેમની ટીમે કુનેહપૂર્વક કામ લઇ રાજકીય સફળતા હાંસલ કરી હતી.પ્રમુખપદે ચૂંટાયેલા કૌશિક વાઘેલા તથા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા ઘનશ્યામ ડોબરીયાએ શહેરમાં રસ્તા-પાણી-ગટર અને વિકાસલક્ષી કામોને અગ્રતા આપવા કોલ આપ્યો હતો.ભાજપના આગેવાનો-કાર્યકર્તાઓએ જયઘોષ સાથે શહેરનાં મુખ્યમાર્ગો પર વિજય સરઘસ કાઢયુ હતુ.

(9:47 am IST)