Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

અનરાધાર વરસાદથી આખુંયે કચ્છ પાણી પાણી

અબડાસામાં ૯ , લખપતમાં ૬ ઈંચ દે ધનાધન વરસાદ સાથે અન્યત્ર ધોધમાર : છેલ્લે ૨૦૧૫માં ઓગનેલું હમીરસર તળાવ હવે કયારે ઓગનશે તેની સતત ચાતક નજરે રાહ જોતા ભુજવાસીઓ : નાની સિંચાઈના ૧૧૬ ડેમ, મોટી સિંચાઈના ૧૪ ડેમ ઓગન્યા, મુન્દ્રાની ભૂખી નદી દાયકા બાદ બે કાંઠે વહેતી થતાં લોકો ઉમટ્યા : આગાહી વચ્ચે આજ સવારથી વિરામ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૫: કચ્છના સરહદી તાલુકાઓ અબડાસા, લખપત માં ગઈકાલે મેદ્યરાજાએ દે ધનાધન તોફાની બેટિંગ કરી એક દિવસ મોડી કરેલ એન્ટ્રીનું સાટું વાળી દીધું છે. કચ્છમાં અત્યાર સુધીના વરસાદના આંકડાઓ આ પ્રમાણે છે. અબડાસા નવ ઈંચ, લખપત છ ઈંચ, જયારે કચ્છના અન્ય તાલુકાઓ કે જયાં સતત બીજા દિવસે પણ વરસાદ પડ્યો છે, ત્યાંના આકડાઓ આ પ્રમાણે છે.

ભુજ, માંડવી અને રાપર ચાર ઈંચ, ગાંધીધામ, મુન્દ્રા, નખત્રાણા ૩ ઈંચ અને અંજારમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. જોકે, ગઈકાલ મોડી રાત પછી કચ્છમાં આગાહી વચ્ચે મેદ્યરાજાએ વિરામ લીધો છે. અગાઉ પડેલા વરસાદ ત્યારબાદ પરમ દિ' અને ગઈકાલ વધુ ૪ ઈંચ વરસાદ પછી પણ ભુજનું હમીરસર તળાવ નહીં ઓગનાતાં લોકોમાં સતત ચર્ચા રહી હતી.

ભુજ પાલિકા દ્વારા હમીરસર તળાવની પાણીની આવ પ્રત્યે બેદરકારી, વહેણ ઉપર દબાણ, તળાવમાં આવતા પાણીનું લીકેજ જેવા સવાલો લોકોમાં અને સોશ્યલ મીડીયામાં ચર્ચામાં રહ્યા છે. તેમાંયે ભુજની વાણીયાવાડ બજારમાં લહેરાતું પાણી જોયા પછી લોકોએ વ્યંગ કર્યો હતો કે, હજીયે હમીરસર કેમ ઓગનતું નથી. દરમ્યાન કચ્છમાં મેદ્યરાજાની મહેરને પગલે નાની સિંચાઈના ૧૭૦ માંથી ૧૧૬ ડેમ જયારે મોટી સિંચાઈના ૨૦ માંથી ૧૪ ડેમ ઓગનાઈ ગયા છે. મુન્દ્રાની ભૂખી નદી દાયકા બાદ બે કાંઠે વહેતી થતાં તે જોવા લોકો ઉમટી પડતા મેળા જેવો માહોલ સર્જાયો હતો.

અંજારનું સવાસર તળાવ રાજયમંત્રી વાસણભાઇ આહીરના હસ્તે વધાવાયું હતું.ઙ્ગ બીજે દિ' ભારે વરસાદને સતત ૧૦ ઈંચ વરસાદને કારણે મોટા રણમાં મહેરામણ જેવો તાલ સર્જાયો હતો. કાળા ડુંગરમાં ૧૦ ઈંચ જેવો વરસાદ નોંધાયો હતો. દરમ્યાન ભુજ, મુન્દ્રા, ગાંધીધામ, અંજાર, માંડવીમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોઈ તંત્ર દોડતું થયું હતું, સલામતી માટે અનેક પરિવારોએ જાતે જ સ્થળાંતર કર્યું હતું. અબડાસા પંથકમાં ભારે વરસાદથી ૨૦ જેટલા નાના ચેક ડેમ તૂટી ગયા છે.

હજીયે વરસાદની આગાહી હોઈ તંત્ર એલર્ટ છે. કચ્છ ડિઝાસ્ટર શાખા દ્વારા લોકોને પાણીની આવક  અને જળાશયોથી દૂર રહેવા, વાહનોને અંદર જળપ્રવાહમાં નહીં નાખવા અપીલ કરાઈ છે.

(11:14 am IST)