Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ભાવનગર માં ભારે વરસાદની આગાહીના પગલે લોકોને સતર્ક રહી જરૂરી તકેદારી રાખવા તંત્ર દ્વારા કરાતા સૂચનો

વિપુલ હિરાણી, ભાવનગર તા.૨૪ : ભારત સરકારના આઈ.એમ.ડી.ના વેધર ફોરકાસ્ટ બુલેટીન મુજબ આગામી દિવસો દરમ્યાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરેલ છે. તેમજ જિલ્લાના શેત્રુંજી, માલણ, રોજકી, હમીપરા તેમજ બોટાદ જિલ્લાના ખાભડા, ઘેલો, ઉતાવળી ડેમ અને અમરેલી જિલ્લાનો ખોડીયાર ડેમ ઓવરફ્લો થયેલ હોઈ, આ ડેમોમાંથી પાણી છોડવામાં આવેલ છે. જેથી નીચાણવાળા ગામોમાં પાણી ભરાય તેમજ આ ડેમોની નદીઓમાં તેમજ જ્યા કોઝ-વે આવેલ છે ત્યા પણ પાણીનો ભારે પ્રવાહ પસાર થઈ રહેલ છે જેથી આ ડેમોના નિચાણવાળા ગામોના લોકો નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર ન કરે તેમજ જ્યા કોઝ-વે ઉપર પાણી પસાર થતુ હોય ત્યા ચાલતા કે વાહનો મારફત પણ પસાર ન થાય તેની લોકો પુરતી તકેદારી રાખી જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે હેતુથી ભારે વરસાદ પહેલા,વરસાદ દરમ્યાન તથા વરસાદ બાદ લોકોને નીચે મુજબની તકેદારી રાખવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવેલ છે.
લોકોએ વરસાદ પૂર્વે રાખવાની તકેદારી
             વરસાદ પૂર્વે નદીના પટમાં અવરજવર કરવી નહીં તેમજ કોઝ-વે ઉપર પાણી વહેતું હોય ત્યારે ચાલતા કે વાહનો મારફત રસ્તો પસાર કરવો નહીં. રહેઠાણની મજબુતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો. સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો, ઉપરવાસના ડેમોમાંથી છોડેલ પાણીના જથ્થાના સમાચાર મેળવતા રહેવું. સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો. ઢોર-ઢાંખરને ખૂંટાથી છૂટા કરી રાખો. માછીમારોને દરિયામાં જવુ નહી, બોટ સલામત સ્થળે લાંગરવી. અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું. આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાનમાં રાખો. સૂકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો. અગત્યના ટેલીફોન નંબર જેવા કે પોલીસ : ૧૦૦, ફાયર : ૧૦૧, એમ્બ્યુલન્સ : ૧૦૮, હાથવગા રાખવા.
ભારે વરસાદ દરમિયાનની તકેદારીઓ
              ભારે વરસાદ દરમિયાન જર્જરીત મકાનો, મોટા વૃક્ષો કે વીજ થાંભલાથી દૂર રહેવું. રેડીયો, ટેલીવિઝન પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો. ભારે વરસાદ દરમિયાન બહાર નિકળવું નહીં કે દરિયાઈ મુસાફરી કરવી હિતાવહ નથી. દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઉભા રહેશો નહીં. માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી. અગરીયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશ્રય લેવા જણાવવું. ખોટી અથવા અધૂરી જાણકારીવાળી માહિતી, અફવા ફેલાવતી અટકાવો, માત્ર આધારભૂત સૂચનાઓને અનુસરવી.
ભારે વરસાદ બાદની તકેદારી આવશ્યકતા હોય ત્યાં બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, મ્યુનિસિપાલીટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીશ્રીઓની મદદ લેવી. જર્જરીત મકાનો, તૂટી પડે તેવા વીજપોલ વિગેરે નજીક જવું નહીં. અજાણ્યા પાણીમાં જવાનું સાહસ કરશો નહી. અસરગ્રસ્તોની મદદ કરવી, બચાવ કરવો, સલામત સ્થળે લઈ જવા. જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા માટે નજીકના આરોગ્ય કેંદ્રનો સંપર્ક કરવો. હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓને અનુસરવું તથા સ્થાનિક વહીવટીતંત્રના સતત સંપર્કમાં રહેવું.

(11:25 pm IST)