Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

જૂનાગઢના દામોદર કુંડમાં ૧૪ શહીદ પાટીદારોના અસ્થિનું વિસર્જનઃ પાટીદાર શહીદ યાત્રાનું જૂનાગઢમાં ભવ્ય સ્‍વાગત

જૂનાગઢઃ અનામત આંદોલનને વેગવંતુ બનાવવા માટે દિલીપ સાબવાની આગેવાનીમાં પાટીદાર શહીદ યાત્રા સૌરાષ્‍ટ્રમાં પરિભ્રમણ કરી રહી છે. આ યાત્રાનું આજે જૂનાગઢમાં આગમન થતા ભવ્ય સ્‍વાગત કરવામાં આવ્યુ હતું.

એક તરફ આજે હાર્દિક પટેલ અને લાલજી પટેલને વિસનગર કોર્ટે 2015ના ગુના સબબ દોષિત ઠેરવ્યા છે ત્યારે બીજી તરફ પાટીદાર અંદોલનમાં કથિતરૂપે પોલીસ દમનમાં માર્યા ગયેલા પાટીદાર યુવાનોને ન્યાય મળે તે માટે શરુ થયેલી પાટીદાર શહીદ યાત્રા મંગળવારે જૂનાગઢ પહોંચી હતી.

શહીદોના આત્માની શાંતિ માટે અને અનામત આપવાની માંગ સાથે લગભગ અગિયાર પાટીદાર યુવાનોએ મુંડન કરી દામોદર કુંડમાં ડૂબકી લગાવી હતી. ત્યારબાદ "ભાજપ હાય હાય"ના નારા લગાવવામાં આવ્યા હતા. પાટીદાર યુવાનોના આ જૂથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે કટાક્ષ કરતા "જનરલ ડાયર હાય હાય"ના નારા પણ લગાવ્યા હતા. ગતરોજ દામોદર કુંડમાં 14 શહીદ પાટીદાર યુવાનોના અસ્થીનું વિસર્જન પણ કરવામાં આવ્યું હતું.

પાટીદાર નેતા દિલીપ સાબવાની આગેવાનીમાં મંગળવારે જૂનાગઢ આવી પહોંચેલી શહીદ યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. આ યાત્રામાં પાટીદાર સમાજના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતાં. શહીદ યાત્રા શહેરના પહેલા સાબલપુર ચોકડીએ પહોંચી હતી.

અહીંથી દોલતપરા નાકે, મજેવડી ગેઈટ, ખામધ્રોલ રોડ અને ગામ, ખામધ્રોલ ચોકડી બાયપાસ, ખલીલપૂર ચોકડી બાયપાસ, ખલીલપુર રોડ, ક્યાડા વાડી, પાદર ચોક, આંબાવાડી, શિવમ પાર્ટી પ્લોટ, સિધ્ધેશ્વર મંદિર, ઝાંઝરડા રોડ, ઝાંઝરડા ચોકડી, ટીંબાવાડી ગામ, મોતીબાગ વગેરે માર્ગો પરથી આ યાત્રા નીકળી હતી.

(6:17 pm IST)