Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

આપાગીગાના ઓટલે પૂ.જીવરાજબાપુની હાજરીમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવ

સુવિખ્યાત સતાધાર ધામના મહંતશ્રીની પણ પૂજનવિધિ : સંતો-મહંતો માટે મહાપ્રસાદનું પણ આયોજનઃ પૂ.જીવરાજબાપુ દ્વારા ગુરૂ પૂ. શામજીબાપુનું પૂજન : શિષ્યો માટે યાદગાર દિવસ બની રહેશે : પ્રથમ વખત ભવ્ય આયોજન

રાજકોટ, તા. ૨૫ : શ્રી સત્તાધાર ધામ જગ્યા તેમજ શ્રી આપાગીગાનો ઓટલાના દરેક ભાવિક સેવકગણો માટે પૂ.શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુ દ્વારા પૂ.શ્રી શામજીબાપુ ગુરૂશ્રી લક્ષ્મણબાપુની પૂજનવિધિ ત્યારબાદ પ.પૂ. શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુની પૂજનવિધિ થશે. તેમજ દરેક સેવકગણ માતા-વડીલો - ભાઈઓ - બહેનો - યુવાનો દ્વારા પૂ.શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુનું પૂજન રાખવામાં આવેલ છે.

ગુરૂપૂર્ણિમાએ ગુરૂવંદનાનો સર્વશ્રેષ્ઠ દિવસ છે. આ વર્ષની ગુરૂપૂર્ણિમા પરમ પૂજય સદ્દગુરૂદેવ શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુના શિષ્યો માટે વિશેષ યાદગાર બનશે. તા.૨૭ શુક્રવારે પૂ.શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુ સાનિધ્યમાં શ્રી આપાગીગાનો ઓટલો - ચોટીલા ખાતે શ્રી ગુરૂપૂર્ણિમા મંગલ મહોત્સવ ઉજવાશે. આ રૂડા અવસરના ખબરથી સમગ્ર શિષ્ય પરીવારમાં હરખની હેલી ચડી છે.

પૂ.શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુના એક હાથમાં જ્ઞાનનો મંગલ દિવડો છે તો બીજા હાથમાં આર્શીવાદની ધુપસડી છે. તેવો સર્વે શિષ્યના અંતરના ઓરડામાં અજવાળુ પાથરનાર પથદર્શક છે. જીવનના જહાજને ખડક સાથે ટકરાતુ બચાવવાનું કામ સદ્દગુરૂ કરે છે. એક સમયના નરેન્દ્રનું વિશ્વ વિખ્યાત વિવેકાનંદમા પરિવર્તન કરાવનાર ગુરૂ રામકૃષ્ણ પરમહંસ હતા. છત્રપતિ શિવાજી મહારાજ પાછળ ગુરૂ સ્વામી રામદાસની પ્રતિભા હતી. શ્રી કૃષ્ણ ગૌરવથી કહેતા કે હું સાંદિપની ઋષિનો શિષ્ય છું. ભગવાન શ્રીરામ કહેતા કે હું મહર્ષિ વશિષ્ઠનો શિષ્ય છંુ. પારસમણીના સ્પર્શથી લોઢુ કંચન બને પરંતુ સદ્દગુરૂ રૂપ પારસમણીના સ્પર્શથી પારસમણી જેવા શિષ્યનું સર્જન થાય આપણા દેશમાં આ ગૌરવવંતી પરંપરા જળવાયેલી છે. સમર્થ સદ્દગુરૂમાં જે સદ્દગુણો હોવા જોઈએ તે બધા જ સદ્દગુણો પ.પૂ.શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુમાં દરેક સેવકગણ તેમજ શિષ્યો જોઈ રહ્યા છે. આવા સદ્દગુરૂજીની પ્રત્યક્ષ હાજરીમાં ગુરૂપૂર્ણિમા પ્રસંગના સાક્ષી બની ધન્યતા અનુભવવાની તક સૌ ભાવિકજનોને મળી છે. સદ્દગુરૂના દર્શન અને આર્શીવાદરૂપી સોનામાં મહાપ્રસાદની સુગંધ ભળશે.

આ કાર્યક્રમ બાદ સાધુ સંતો - મહંતોને શ્રી સતાધાર ધામ તેમજ શ્રી આપાગીગાનો ઓટલાની જગ્યાની પરંપરાઓ મુજબ મહાપ્રસાદ બાદ ભેટ પૂજા પણ સત્તાધાર જગ્યાના મહંત શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુ દ્વારા આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આપાગીગાના ઓટલે ૨૪ કલાક મહાપ્રસાદ ચાલુ રહે છે. જ્યાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકજનો લાભ લ્યે છે તેમ આપાગીગાના ઓટલો - ચોટીલાના મહંત નરેન્દ્રબાપુની યાદીમાં જણાવાયુ છે.

(12:26 pm IST)