Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

જૂનાગઢનાં બે યુવા કલાકારો સહિત પાંત્રીસ કલાકારો શનિવારે અદ્દભુત કલા પીરસશે

શનિવારે કૃષિ કોલેજનાં ઓડીટોરીયમ રંગમંચ પર : 'કૃષ્ણ એક પ્રેમી, એક યોદ્ધા' દ્રિઅંકી નાટકમાં ભગવાન કૃષ્ણની જીવનયાત્રાનું મંચન થશેઃ સર્વત્ર આવકાર

જુનાગઢ તા.૨૫: ભકત કવિ નરરસૈયાની કલાપ્રેમી નગરી જૂનાગઢ ખાતે આગામી તા. ૨૮ને શનિવારે રાત્રે ૮ કલાકે એગ્રિકલ્ચર ઓડીટોરીયમ રંગમંચ પર કૃષ્ણ એક પ્રેમી, એક યોદ્ધા દ્રિઅંકી નાટક પ્રસ્તુત થશે. ખુશીની વાત એ છે કે આ નાટકમાં જૂનાગઢનાં બે યુવા કલાકાર સીહત ૩૫ થી વધુ કલાકારો ભગવાન કૃષ્ણની અદ્દભુત લીલાઓનું દર્શન કરાવશે.

શ્રી રામેશ્વરપુરીજી મહારાજ એજયુકેશન ટ્રસ્ટ આયોજીત અને શ્રી રંગમંચ નાટય ગ્રુપ- અમદાવાદ પ્રસ્તુત ક્રિષ્ના લવર એન્ડ વોરીયર દ્રિઅંકી નાટક વિશે માહિતી આપતા જયેશ ભરાડે જણાવ્યું કે, નવોદિત કલાકારોને પ્રોત્સાહન આપવાના હેતુસર આ નાટય શોનું આયોજન કરવામાં આવ્યું છે.

જૂનાગઢનાં વતની એવા જગપાલ ભરાડ આ નાટકમાં દેવર્ષિ નારદમુનિ તથા હર્ષદ હડીયા અર્જુન પુત્ર અભિમન્યુનો કિરદાર નિભાવી રહયાં છે. આ ઉપરાંત નાટકનાં ડીરેકટર ડો. રાહુલ સંનાધ્યેનાં માર્ગદર્શન હેઠળ ૩૫ થી વધુ કલાકારો ભગવાન કૃષ્ણનાં જન્મથી લઇ મહાભારતનાં રણમેદાન સુધીનાં પ્રસંગોમાં અદ્દભુત કલા દર્શાવી છે.

 જૂનાગઢનાં બે યુવા કલાકારો જગપાલ અને હર્ષદ હડીયાને આવકારવા કલાપ્રેમી લોકો આતુર છે. નાટકની જાહેરાત થતા જ તેની બહુમત ટીકીટ લોકોએ ગ્રુપ બુકીંગ કરાવી પ્રચંડ આવકાર આપ્યો છે.

આહીર કર્મચારી મંડળ, બ્રહ્મ યુવા સંગઠન, પરશુરામ ફાઉન્ડેશન, સમસ્ત બ્રહ્મ સમાજ અને વણિક યુવા ગ્રુપ, નાગર યુવક મંડળ સહિત નાટય પ્રેમી જનતાએ આ નાટક નિહાળવા ભારે ઉત્સુકતા દાખવી છે.

આગામી તા. ૨૮ ને શનિવારે રાત્રે ૮ વાગ્યે રજુ થનાર નાટકની હવે બહુ મર્યાદિત ટીકીટ હોય સેમસંગ સ્માર્ટ કાફે, ગુરૂકુળ શોપ નં.ર, કોલેજ રોડ, જૂનાગઢ ખાતેથી મેળવી સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે મોબાઇલ નં: ૭૫૬૭૨ ૨૯૭૯૯ પર વિપુલભાઇનો સંપર્ક કરવા જણાવાયું છે.

(11:59 am IST)