Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

વાંકાનેર ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ હેતુઓ માટે વિજ જોડાણો આપવાની યોજનામાં લોકોને અન્યાય

યાર્ડના પૂર્વ પ્રમુખ-પ્રદેશ કોંગ્રેસ યુવા અગ્રણી ઇરફાનભાઇ પીરઝાદાની વિજયભાઇ રૂપાણીને રજૂઆત

વાંકાનેર, તા. રપ : વાંકાનેર માર્કેટીંગ યાર્ડના પૂર્વ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના યુવા અગ્રણી શ્રી ઇરફાન પીરઝાદાએ રાજયના મુખ્ય મંત્રીશ્રી, વિરોધપક્ષના નેતાશ્રીને તા. ૧૭-૬-૧૯ના એક લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગના ઉપરોકત સંદર્ભના ઠરાવથી ગામતળ બહારના વિવિધ હેતુ માટે વીજ જોડાણ આપવાની નીતિ બાબતે હકારાત્મક નિર્ણય કરેલ છે. આ ઠરાવના લાભાર્થીઓને વિવિધ હેતુ માટે સમગ્ર ગુજરાતમાં વીજ જોડાણ આપવામાં આવે છે, પરંતુ વાંકાનેર ીજ. મોરબીની પી.જી.વી.સી.એલ.ની કચેરીને લાંબા સમય થયા આ નીતિના અમલ માટે અમો રજુઆત કરતા આવ્યા છીએ. વાંકાનેરની પી.જી.વી.સી.એલ.ની કચેરી આ ઠરાવનો માત્રને માત્ર વાંકાનેરમાં જ અમલ કરતી નથી તેવી રજુઆત અમોએ મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રી ઉર્જા, વિરોધપક્ષના નેતા વિધાનસભા અને ઉર્જા વિભાગની કચેરીને પણ વારંવાર લેખિતમાં રજુઆત કરેલ છે.

જિલ્લા પી.જી.વી.સી.એલ.ની કચેરીના જવાબદાર અધિકારી આ રજુઆત બાબતે સરકારશ્રીને ખોટા અહેવાલો, અભિપ્રાયો સાથે સબ સલામત છે ના જવાબો પાઠવીને અમારી રજૂઆતને ફાઇલ રી નાંખીને વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારના લોકોને અન્યાય કરી રહ્યા છે તેમ ઇરફાનભાઇ પીરઝાદાએ જણાવ્યું છે.

સરકારશ્રીના પરિપત્રથી નાના સ્વરોજગારીના એકમો કે જેમને પ્રોત્સાહિત કરવાનો સરકારશ્રીના અભિગમનો અમલ સમસ્ત રાજયના તાલુકાઓમાં થઇ રહ્યો છે અને માત્રને માત્ર વાંકાનેર તાલુકામાં આ યોજનાનો અમલ નહીં કરીને જાણી જોઇને અરજદારોને કનેકશન ન આપી અન્યાય કરવામાં આવી રહ્યો છે.

તાલુકાના તીથવા ગામ અને તીથવા માહોલના તમામ ગામોમાં આ યોજનાનો લાભ મેળવવાને હકદાર અનેક અરજદારોની અરજી સ્વીકારેલ નથી કે પેન્ડીંગ રાખીને અરજદારોને વિજળીથી વંચીત રાખવામાં આવે છે. આ અરજદારો પૈકીના વાંકાનેર તાલુકાના તીથવા ગામના શ્રી શેરસીયા અમીભાઇ હાજી મામદભાઇએ આવી સ્વરોજગારી શરૂ કરવા માટે તીથવા ગામમાં જ વીજ જોડાણની માંગણી કરતી અરજી તમામ જરૂરી આધાર પુરાવા સાથે કરતા તેમની અરજી પી.જી.વી.સી.એલ. વાંકાનેર દ્વારા સ્વીકારવામાં આવેલ નથી અને પાછલા બારણે અયોગ્ય માંગણી કરવામાં આવેલ છે. આ રીતે પી.જી.વી.સી.એલ.ના જવાબદાર અધિકારીશ્રીઓ દ્વારા આર્થિક ઉપાર્જન ન મળતું હોય તેવા અનેક કનેકશનો આપવા બાબતે દરકાર લીધી નથી. જે તપાસનો વિષય છે. આ નીતિ અંતર્ગત વાંકાનેરની કચેરી દ્વારા આપવામાં આવેલ કનેકશન અંગે તપાસ કરવામાં આવે તો નિયમોને નેવે મૂકી અપાયેલા કનેકશનોની ગેરરીતિ જોવા મળશે. આ બાબતે ખાસ રાજયકક્ષાએથી તપાસ કરાવવા માંગણી કરી છે.કુટિર જયોત યોજના હેઠળ જરૂરીયાતમંદ અરજદારોને ઘર કનેકશન આપવાનો રાજય સરકારનો અભિગમ છે ત્યારે તાલુકાના વાંકીયા ગામના માથકીયા જલાલ વલી કુટિર જયોત યોજના હેઠળ ઘરવપરાશ કનેકશન મંજુર કરવામાં આવેલ. ત્યારબાદ તા. ૩૧-૭-ર૦૧૮ના રોજ અરજદારને જાણ કર્યા વગર વાંકાનેર પી.જી.વી.સી.એલ.ના અધિકારીશ્રી ડાંગર દ્વારા રૂબરૂ આવીને અરજદારનું કોઇપણ કારણ વગર વીજ કનેકશન કાપી નાંખવામાં આવેલ છે. આ બાબતે રજુઆત કરતા પી.જી.વી.સી.એલ.ના અધિકારીશ્રી દ્વારા જણાવેલ છે કે પી.જી.વી.સી.એલ. ના અધિક્ષક ઇજનેરશ્રી મોરબીની માખિક સુચનાથી અમોએ આ કનેકશન રદ કરેલ છે, પરંતુ આજની તારીખે પણ આ અરજદાર આ કનેકશનનો મીનીમમ ચાર્જ ભરે છે.

આ બાબતે થતા અન્યાય અંગે છેલ્લા લાંબા સમયથી વારંવાર તમામ આધાર પુરાવાઓ સાથે રજુઆતો કરતા આવ્યા છીએ. છતાં આનો કોઇ ઉકેલ આવતો નથી. અમારૂ સ્પષ્ટ માનવું છે કે વાંકાનેર વિસ્તારના ધારાસભ્યશ્રી કોંગ્રેસ પક્ષના હોઇ જાણી જોઇને પી.જી.વી.સી.એલ.ના જવાબદાર અધિકારીઓ દ્વારા રાજકીય દબાણ હેઠળ કામ કરતા હોય અને વાંકાનેર વિસ્તારના અરજદારોને હેરાન પરેશાન કરી સરકારશ્રીની યોજનાના લાભોથી વંચિત રાખીને વાંકાનેર વિસ્તારના ખેડૂતો-શ્રમજીવી અરજદારોને યાતના આપી રહ્યા છે. ત્યારે અમારી આ રજુઆતની ગંભીર નોંધ લઇ ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોલીયમ વિભાગના ઠરાવનો અમલનો અમલ કરાવીને ે તીથવા ગામ તીથવા માહોલ તેમજ લુણસર માહોલ તેમજ મહીકા માહોલના વાંકાનેર વિસ્તારના વીજળીથી વંચિત અરજદારોના પ્રશ્ને તાત્કાલીક ન્યાય અપાવવા અને ઉકેલ લાવવા ઇરફાન પીરઝાદા (મો. ૯૮રપ૦ ૯ર૯પપ) અંતમાં માંગણી કરેલ છે.

(11:39 am IST)