Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

હવે વિવિધ રંગબેરંગી મુવીંગ વિજ રોશનીના ઝગઝગાટથી સજ્જ થશે

સોમનાથ મહાદેવનું વિશ્વ પ્રસિધ્ધ મંદિર સુવર્ણના ઝળહળાટ બાદઃ પળે પળે બદલાતા વીજ ભાત ભાતના રંગોથી મંદિરના : વિવિધ કલરમય દ્રશ્યો ધરતીથી શિખર સુધી જોવા મળશેઃ રાષ્ટ્રપતિ ભવન-મુંબઇ ગેટ-વે ઓફ ઇન્ડીયાને વીજ એકર્સ્પટની ટીમ ત્રણ મહિનાથી સોમનાથમાં હવે માત્ર પંદર દિવસમાં કાર્ય પૂર્ણતા આરે

પ્રભાસ પાટણ  તા. રપ :.. ભારતના બાર દિવ્ય જયોર્તિલીંગ પ્રથમ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના મંદિરને છેલ્લા ત્રણ મહિનાથી   FACADE એલ. ઇ. ડી. લાઇટીંગથી સજ્જ કરાઇ રહ્યું હતું. જે કામગીરી ૬૦ ટકા પુર્ણ થવા પામી છે. અને આગામી દસ થી પંદર દિવસમાં રૂપિયા છ કરોડનો લાઇટીંગ બ્યુટીફીકેશનનો આ પ્રોજેકટ પુર્ણ થશે.

આગામી પવિત્ર શ્રાવણ માસમાં ભાવિકોને આ દિવ્ય શિવાલય એલ. ઇ. ડી. લાઇટના વિવિધ રંગોની રોશનીમાં નહાતું અલૌકિક દ્રશ્ય નજરે ચઢશે.

ભારતના પ્રાચીન ધરોહરના મંદિરો- સ્થાપ્તયોને હાઇ મુવીંગ લાઇટીંગ વિજ રોશનીથી શણગારવામાં આવે છે તેના ભાગરૂપે સોમનાથ ટ્રસ્ટ ચેરમેન કેશુભાઇ પટેલ, ટ્રસ્ટી - સક્રિય સચિવ પ્રવિણભાઇ લહેરીના માર્ગદર્શન મુજબ દિલ્હીથી આવેલા રપ થી ૩૦ ઇલેકટ્રીક નિષ્ણાતો - તજજ્ઞો આ માટેની કામગીરી હવે પૂર્ણ કરવાના આરે છે. એમ કહેવાય છે કે વરસાદમાં પણ આ રોશની યથાવત કામ આપશે.

સુત્રોની મુલાકાતમાં જાણવા મળ્યું કે આ માટે મંદિર ફરતે ૧૪૦૦ જેટલાં એલ. ઇ. ડી. ફીકસ્ચર લગાવવામાં આવેલ છે અને ૬૦૦ જેટલા હાઇ એલ. ઇ. ડી. લગાવાયેલ છે.અને નાના-નાના હજારો બલ્બ સહારે મંદિર પગથીયાથી ઊંચા ૧પ૧ ફુટ શિખર સુધી અદ્ભુત દિવ્ય નજારો વિવિધ રંગોમાં જોવા મળશે.

તજજ્ઞોના જણાવ્યા અનુસાર આ પ્રકારનું  કામ તેઓએ રાષ્ટ્રપતિ ભવન દિલ્હી અને ગેટ -વે-ઓફ ઇન્ડીયા મુંબઇ સહિત દેશના જાણીતા સ્થળોએ કરેલ છે રોશનીના આ પ્રકાશમાં ગ્રીન-બ્લુ-રેડ મુખ્ય રહેશે પરંતુ તેમાં કોમ્પ્યુટર ટેકનીકલ મીકસીંગથી મનગમતા હજારો કલરો પણ રોશનીમાં ઠાલવી શકાશે. જુદી જુદી થીમ આધારિત રોશની પણ કરી શકાશે તેમજ તીવ્ર પ્રકાશ અને આછો પ્રકાર આ બધુંય કોમ્પ્યુટર સંચાલિત હશે અને તેમાં ટાઇમીંગ પણ સેટ હશે. સંપૂર્ણ પ્રક્રિયા ઓટોમેટીક હશે જેનું ટેસ્ટીંગ પણ શરૂ થઇ ગયું છે. જેથી દરરોજ સાંજે આ અલૌકિક વીજ રોશની જોવા મળશે.

માત્ર સોમનાથ મંદિર જ નહીં પરંતુ મંદિર પરિસરના કિર્તન હોલ, હનુમાનજી મંદિર અને અન્ય મંદિરોને તેમજ દિગ્વીજય દ્વાર તથા સોમનાથ મંદિર પ્રવેશ માટેનો ગુરૂકુળ પાસે આવેલ મોટો દરવાજો ઝળહળતા કરાશે. સોમનાથના નાગરીક ભાસ્કર વૈદ્યા  વાંચકો સમજી શકે તે અંગે શબ્દ ચિત્ર આપતાં જણાવે છે કે આમ તો દર મહાશિવરાત્રીએ સોમનાથ મંદિર એલ. ઇ. ડી. લાઇટીંગથી શણગારાતું પરંતુ તેમા ને આમા ફેર એ છે કે તે માત્ર એક બે દિવસ પુરતું જ રહેતું પરંતુ આ રોશની કાયમી રહેશે અને ટેસ્ટીંગ થતાં સોમનાથ આસપાસના કેટલાક ગામડાઓ, સમુદ્રમાં  છેક દુર સુધી અને ભીડભંજનથી સમગ્ર સોમનાથ મંદિર ભૂમિથી શિખર સુધી અંધારી રાત કે અજવાળી રાતમાં કે વરસાદમાં દિવસ જેટલું આખુ મંદિર રાત્રે પણ જોવા મળશે. અને મંદિર પરિસર તેજના  વિજ અને એ પણ પળે...પળે... બદલતા રંગબેરંગી બદલાતા કલરો સાથે અલૌકિક દિવ્ય મંદિર નિહાળવા મળશે. (પ-૪)

 

(12:14 pm IST)