Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

દેવભૂમિ દ્વારકા જિલ્લા પાણી સમિતિની બેઠક કલેકટર ડો. મીનાના અધ્યક્ષ સ્થાને મળી

દેવભૂમિ દ્વારકા, તા.૨પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામો અને શહેરોની પીવાના પાણીની પરિસ્થિતિની  સમીક્ષા બેઠક કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી.   બેઠકમાં પાણી પુરવઠા ઇજનેરશ્રી નાગરે જિલ્લામાં પાણીની હાલની પરિસ્થિતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતુ કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૨૬૬ ગામો આવેલ છે. જે પૈકી ૨૩૫ ગામો અને ૬ શહેરોનો સમાવેશ ડેમ આધારિત/નર્મદા પાઇપલાઇન આધારિત ૧૦ જુથ યોજનાઓમાં થયેલ છે. બાકીના ૩૧ ગામો પૈકી ૩૦ નેસ વિસ્તાર અને ૧ ટાપુ વિસ્તાર જે સ્થાનિક સોર્સ(સાદાકુવા/હેન્ડ પમ્પ) આધારિત પાણી પુરવઠા યોજનાના ગામો છે. જિલ્લામાં કુલ ૬૦ એમ.એલ.ડી.ની પીવાના પાણીની જરૂરિયાત છે. તે પૈકી હાલમાં નર્મદા પાઇપઇનમાંથી ૪૫ થી ૫૦ એમ.એલ.ડી.પાણી આપવામાં આવે છે.         હાલમાં જિલ્લાનાં જુથ યોજનાનાં કુલ ૨૩૫ ગામો પૈકી ૧૮૫ ગામોને જુથ યોજના દ્વારા પાણી આપવામાં આવે છે. અને બાકી રહેતા ૧૩ ગામોને સ્થાનિક સોર્સ જેવા કે કુવા, બોર આધારિત વ્યકિતગત પાણી પુરવઠા યોજનામાંથી પાણી મળે છે. જિલ્લાના ૩૭ ગામો અને ૨૧ પરામાં ૧૦૦૦૦ લીટર ક્ષમતાના ટેન્કરના કુલ ૩૩૪ ફેરા મારફત પાણી વિતરણ કરવામાં આવે છે.

ખંભાળીયા તાલુકાનાં ૧૦ ગામોને સિંહણ ડેમનાં ડાઉન સ્ટ્રીમમાં કુવામાંથી પાઇપ લાઇન દ્વારા ૨ એમ.એલ.ડી. પાણી મેળવીને માંઢા ઝોનનાં ૯ ગામોને પાણી પુરૂ પાડવામાં આવે છે. જિલ્લામાં ૧૧૫૨ હેન્ડપંપ કાર્યરત છે. હેન્ડપંપ રીપેરીંગ કરવા માટે એક ગેંગ કાર્યરત છે. ગ્રા.પં./ સ્થાનિક લોકો તરફથી ફરીયાદ મળ્યે રીપેર કરવામાં આવે છે. તા.૧-૪-૧૯ થી ૨૩-૫-૧૯ સુધી કુલ ૧૦૨ હેન્ડપંપ રીપેર કરવામાં આવેલ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૫૨ અનઅધિકૃત કનેકશનો દુર કરવામાં આવેલ છે. ઓખામંડળ તાલુકાના ૨૭ ઇસમો તથા કલ્યાણપુર તાલુકામાં ૨૩ ઇસમો સામે એફ.આઇ.આર. કરવામાં આવેલ છે. આ બેઠકમાં ખંભાળીયા, ભાણવડ તથા ઓખામંડળ તાલુકાના ગામોમાં ટેંકરના ફેરા વધારવાની દરખાસ્તને મંજુરી આપવામાં આવેલ છે.

કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ પાણીની પરિસ્થિતિનો તાગ મેળવી લોકોને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવા લગત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. આ બેઠકમા નિવાસી અધિક કલેકટરશ્રી પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાધેલા, પ્રાંત અધિકારીશ્રી જોષી, ડી.વાય.એસ.પી.શ્રી સી.સી.ખટાણા તેમજ જિલ્લાનાં વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ  ઉપસ્થિત રહયા હતા.

(11:40 am IST)