Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ભુજ હોસ્પિટલમાં ૨૦દિ'માં ૨૬ બાળકોના મોત

કલેકટર રેમ્યા મોહન દ્વારા તપાસના આદેશ : ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે આવશે

ભુજ, તા.૨૫ : કયારેક અસુવિધાના મુદ્દે,કયારેક પ્રાથમિક સુવિધાના અભાવના મુદ્દે તો કયારેક બેદરકારીથી બાળકો અને દર્દીઓના મોતના મામલે ભુજની વડાપ્રધાન રાહત ભંડાળમાંથી ૧૫૦ કરોડના ખર્ચે બનેલી અદાણી GK હોસ્પિટલ ચર્ચામા રહી છે. જયારથી અદાણીને સંચાલન સોંપાયુ ત્યાર પછી બેદરકારીના કિસ્સામાં સરકારે કોઇ પગલા લીધા નથી. હોસ્પિટલના NICU વિભાગમાં ઉપરાઉપરી થઇ રહેલા બાળકોના મોતને લઇને હોસ્પિટલ સામે ગંભીર આરોપો લાગ્યા છે. ૨૨ તારીખે NICUમાં એક બાળકના મોત બાદ આ મામલો ગરમાયો હતો અને મૃતકના પરિજનો સાથે કોંગ્રેસ લધુમતી ડીપોર્ટમેન્ટના આગેવાને બીનરાજકીય રીતે આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. ૨૩ મી તારીખે આ મુદ્દે વાલીઓ સાથે બાળકોના મોત મામલે વિરોધ પ્રદર્શિત કરી આક્ષેપ કરાયો હતો કે ૨૦ દિવસમાં ૨૬ બાળકોના મોત થયા છે. આ અંગે અદાણીના સંચાલકો સામે વિરોધ નોંધાવી તપાસની માંગ સાથે જાગૃતોએ મામલો ગંભીર હોવાનુ જણાવ્યુ હતુ. જો કે,હોસ્પિટલ સત્તાધીશોએ આક્ષેપો ફગાવવા સાથે બાળકોનો મૃત્યુદર ઘટ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. પરંતુ આ મામલાએ વિવાદ પકડતાં હવે જિલ્લા કલેકટર રેમ્યા મોહને તપાસ અહેવાલ મંગાવવા સાથે સંપુર્ણ ઘટનાની માહિતી સંચાલકો પાસેથી મેળવવાના આદેશ કર્યા છે. તેની સંપુર્ણ ચકાસણી બાદ કલેકટર આ મુદ્દે કોઇ કાર્યવાહી કરી શકે છે.

મીડીયામાં સતત આવી રહેલા અહેવાલ અને કયાકને કયાક મામલો છુપાવવાના થઇ રહેલા પ્રયત્નો વચ્ચે કલેકટરને આ મામલો ગંભીર લાગતાજ તેને આ મામલે અદાણી સંચાલકો પાસે મૃત્યુનો સાચો આંક અને તેના મૃત્યુ થવાના કારણો અંગેનો સત્તાવાર અહેવાલ મંગાવ્યો છે. આ અંગે કલેકટર રેમ્યા મોહન સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે મામલાની તપાસ ચાલી રહી છે. સંપુર્ણ રીપોર્ટ અને મૃત્યુનો સાચો આંક આવ્યા બાદ તેઓ આ અંગે જરૂરી કાર્યવાહી માટે વિચારશે. તો બીજી તરફ રાજય સરકારે પણ કયાક અદાણી હોસ્પિટલ મેનેજમેન્ટ સંપુર્ણ ઘટના પર ઢાક પીછાડો કરતી હોવા મામલે થઇ રહેલા આક્ષેપોને પગલે એક ટીમ કચ્છ મોકલવાનુ નક્કી કર્યુ છે. જે સંભવત તે આજ કાલ માં જ કચ્છ આવી આ મામલાની તપાસ કરી શકે છે.

એક તરફ કચ્છમાં પ્રાથમીક આરોગ્ય સુવિધાનો અભાવ છે. તેવામાં સ્વાભાવીક છે. કે લોકોને અપેક્ષા હોય કે જીલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલ તેમના માટે આશીર્વાદ રૂપ સાબિત થાય. પરંતુ વાસ્તવિકતા એ છે. કે સરકારે જે ઉદ્દેશ સાથે અદાણી ગ્રુપને સંચાલન સોંપ્યુ હતુ તેમાં અદાણી ગ્રુપ ઉણું ઉતર્યુ છે,અને આંકડાઓ તો એ જ કહે છે, કે નવજીવન આપવા કરતા અદાણી GK હોસ્પિટલ દર્દીઓના મોત મામલે વધુ ચર્ચામા રહી છે. જો કે બાળકોના મોત બાદ હવે તંત્ર જાગ્યુ તો છે. પરંતુ જોવુ એ અગત્યનુ રહેશે કે ખરેખર તેની સામે તપાસ કેટલી અસરકારક નીવડશે અને કાર્યવાહી કેટલી કડક અને ઝડપી થશે. (૨૪.૪)

(11:09 am IST)