Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

આમરણનું ઐતિહાસિક હાટકેશ્વર તળાવની દુદર્શા : સફાઇ કરી ઉંડુ ઉતારવા માંગણી

આમરણ તા. ૨૫ : સૈકાઓ પુરાણુ ઐતિહાસિક હાટકેશ્વર તળાવ જાળવણીના અભાવે દુદર્શામાં ફેરવાઇ ગયું છે. ઘણા વર્ષો થયા કાપ કપાઇ જવાને કારણે છીછરા બની ગયેલા આ તળાવમાંથી કાપ બહાર કાઢી ઉંડુ ઉતારવા અંગે સરકારી રાહે ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવું ગ્રામજનો ઇચ્છી રહ્યા છે.

દર વર્ષે ઠલવાતા કાપને કાઢવાની કામગીરી છેલ્લા ૪૦ વર્ષ થયા થયેલ ન હોય એક સમયે બારેમાસ પાણીથી છલોછલ ભરાયેલું રહેતું તળાવ આજે શિયાળો બેસે ત્યા સુધીમાં ખાલીખમ થઇ જઇ સુનકાર ભાસે છે. ઉંડાઇ નહિ હોવાને કારણે ચોમાસુ પાણી ઓવરફલો થઇ નકામુ વેડફાઇ જાય છે.

તળાવની મધ્યમાં ઉંચા પગધાર, પગથિયા અને કલાત્મક ઝરૂખાવાળી વિશાળ વાવ કાપના થરોમાં ગારદ થઇ જતા આજે નામોનિશાન જોવા મળતુ નથી. તદઉપરાંત એક સમયે આમરણ ખાતે મોટી સંખ્યામાં વસતા નાગર બ્રાહ્મણો દ્વારા તળાવમાં બનાવાયેલા નાના મોટા પાકા કુવાઓનું અસ્તિત્વ પણ ભુંસાઇ ગયું છે. કાંઠા પરની વિશાળ લાંબી સંગ (દિવાલ) તેમજ કપડા ધોવા માટેના ઘાટો અદ્રશ્ય થઇ ગયા છે. તળાવને ઉંડુ ઉતારી ધરબાઇ ગયેલી અસ્મિતાને બહાર કાઢી નવર્સજન કરવામાં આવે તો આજની પેઢી પણ ઇતિહાસને નિહાળી જરૂર ગર્વ અનુભવશે.

તળાવના કાંઠાઓ પ્લાસ્ટીક અને અન્ય ગંદકીથી ખદબદી રહ્યા છે. આશરે ૪૦ વર્ષ પહેલાનું રમણીય તળાવ બદસૂરત બની જવા પામ્યું છે.

મુખ્યમંત્રી દ્વારા રાજયના તળાવોને ઉંડા ઉતારવા માટેની યોજના જાહેર કરી છે ત્યારે સ્થાનિક આગેવાનો અને ગ્રામ પંચાયત ઉદાસી ખંખેરી બીડુ ઝડપી લઇ આ ઐતિહાસિક તળાવને નવસાધ્ય બનાવવા જાગૃત બને તેવું જનતા ઇચ્છી રહી છે.

તળાવના સામસામા કાંઠે આવેલ એક તરફ સદીઓ પુરાણુ હાટકેશ્વર મહાદેવ મંદિર અને બીજી તરફ હઝરત દાવલશાપીરની દરગાહ ઇતિહાસના મૂક સાક્ષી તરીકે આજના દૂર્દશા પામેલ તળાવને નિહાળી કદાચ વલોપાત કરી રહ્યા હશે !!

(12:18 pm IST)