Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

સુત્રાપાડાના લાટી ગામે દારૂનું ખૂલ્લેઆમ વેચાણ બંધ કરોઃ જીલ્લા પોલીસ વડાને રજૂઆત છતા કાર્યવાહી થતી નથી

પ્રભાસપાટણ, તા. ૨૫ :. સુત્રાપાડા તાલુકાના લાટી ગામે ખૂલ્લેઆમ દેશી-વિદેશી દારૂનું વેચાણ થઈ રહેલ છે. આ દારૂ બંધ કરવા જનતા રેડ પાડવામાં આવે તો દારૂ વેચનારા લોકોને ધમકી આપે છે અને પોલીસ દ્વારા પણ કોઈ જાતની કાર્યવાહી થતી નથી. રજૂઆત કરવામાં આવે તો પોલીસ દારૂ બંધની કાર્યવાહી કરવાને બદલે રજૂઆત કરનારને ધમકીઓ આપે છે.

દારૂ વેચાવાને કારણે મજુર અને ગરીબ લોકો બરબાદીના પંથે ધકેલાઈ જઈ રહેલ છે અને નાની વયના યુવાનોનું દારૂની લતને કારણે બરબાદ થઈ રહેલ છે. દારૂ પીનારા લોકો અનેક જીવલેણ બિમારીનો ભોગ બની રહેલ છે. આ લાટી ગામમાં સંપૂર્ણ દારૂ બંધ કરાવવા માટે ભીખાભાઈ માલાભાઈ સોલંકી દ્વારા જીલ્લા પોેલીસ વડા ગીર-સોમનાથ અને નાયબ કલેકટરને લેખીતમાં રજૂઆત કરેલ અને દારૂ બંધ કરવા માંગણી કરેલ છે.

સુત્રાપાડા તાલુકાના અનેક ગામોમાં દારૂનું ખુલ્લેઆમ મોટે પાયે વેચાણ થઈ રહેલ છે. જેમાં કદવાર, સુત્રાપાડા સહિત અનેક ગામોમાં પોેલીસની મીઠી નજર હેઠળ ખૂલ્લેઆમ વેચાણ થઈ રહેલ છે. તાલાલા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂ મોટા પાયે બને છે અને ત્યાંથી રાત્રીના સમયે વાહનો દ્વારા દારૂને સુત્રાપાડા તાલુકાના ગામડાઓમાં ઠાલવવામાં આવે છે અને પછી દારૂની થેલીઓ બનાવી અને વેચાણ કરવામાં આવે છે. આ તમામ બાબતોથી પોલીસ વાકેફ છે છતા મોટા હપ્તાઓને કારણે વારંવાર રજુઆત થવા છતા કોઈ જાતની કાર્યવાહી થતી નથી અને નાના અને મજુર વર્ગના લોકો આનો ભોગ બને છે. અત્યારે ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં સુત્રાપાડા તાલુકામાં ખૂબ જ દારૂનું વેચાણ થઈ રહેલ છે જે જગજાહેર છે.

(12:15 pm IST)