Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

દરિયાઇ વ્યાપાર ક્ષેત્રે દીનદયાળ પોર્ટ કંડલા બનશે ગુજરાતના વિકાસનું હબ

૭૭ હજાર કરોડના ઔદ્યોગિક રોકાણના એમ.ઓ.યુ.ની તૈયારીઓઙ્ગઃ ૨જી માર્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈના હસ્તે ઈન્ટરનેશનલ પોર્ટ સમિટના ઉદઘાટન દરમ્યાન હજીયે ફુંકાશે કરોડો રૂપિયાના વિકાસનું વાવાઝોડું : દુનિયાના ૨૦ દેશો અને દેશના ૧૦ રાજયો ઈન્ટરનેશનલ પોર્ટ સમિટમાં ભાગ લેશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૫ : દેશના શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાના માર્ગદર્શન તળે શિપિંગ મંત્રાલયના નેજા તળે બંદરીય ક્ષેત્રોમાં ઉદ્યોગો સહિત આયાત નિકાસને પ્રોત્સાહન આપવા સાથે વિવિધ પગલાં ભરાઈ રહ્યા છે. આ અંતર્ગત આગામી ૨ જી માર્ચ થી ૪ થી માર્ચ દરમ્યાન દીનદયાળ પોર્ટ કંડલા દ્વારા ઈન્ટરનેશનલ મેરી ટાઈમ સમિટનું આયોજન કરાયું છે. આ અંગે માહિતી આપવા દીનદયાળ પોર્ટ કંડલા દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતાં ચેરમેન એસ.કે. મેહતાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૨ જી માર્ચે મેરીટાઈમ સમિટ નું વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી ઉદ્દઘાટન થશે.

આ સમિટમાં દુનિયાના ૨૦ દેશો અને ભારતના ૧૦ રાજયોના બંદરો સાથે વિવિધ વ્યવસાયો તેમ જ ઉદ્યોગો સાથે સંકળાયેલા વ્યાપાર ગૃહો ભાગ લેશે. જોકે, દેશમાં દરિયાઈ વ્યાપારમાં આયાત નિકાસ ક્ષેત્રે માલ સામાનની હેરફેરમાં નંબર વન એવા દીનદયાળ પોર્ટ કંડલા દ્વારા અત્યારથી જ મેરિટાઈમ સમિટની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ચેરમેન એસ.કે. મેહતાના જણાવ્યા પ્રમાણે ૭૭ હજાર કરોડના ઉદ્યોગ વ્યવસાયના એમ.ઓ.યુ. અત્યારથી જ તૈયાર છે. જે મહદ્ અંશે સ્ટીલ, પેટ્રો કેમિકલ્સ સાથે સંકળાયેલા છે. રોકાણનો આ આંકડો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમિટનું ઉદ્દઘાટન કરે ત્યારે વધી શકે છે. ૨ થી ૪ માર્ચ ચાલનાર આ સમિટ માટે અત્યારના તબક્કે ૬૫૧૦ કરોડના એમઓયુ ગઇકાલે થયા હતા.

કંડલા મધ્યે વિકાસ પામી રહેલા ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સીટી માટે ફર્નિચર પાર્ક માટે ૪૦૦ કરોડના એમઓયુ કંડલા ટીંબર એસો. દ્વારા કરાયા હતા. શિપિંગ મંત્રાલય દ્વારા બનાવાયેલા વિઝન ૨૦૩૦ દસ્તાવેજમાં દેશના ત્રણ પોર્ટને મેગા પોર્ટ બનાવાશે જેમાં દીનદયાળ પોર્ટ કંડલા પણ સામેલ છે. તુણા ટેકરા મધ્યે કન્ટેનર ટર્મિનલ ઉભુ કરાશે. કોસ્ટગાર્ડ માટે વાડીનાર માં જેટી તૈયાર કરાશે. તો, કંડલા વાડીનાર વચ્ચે રો રો ફેરી સર્વિસ પણ ચાલુ કરાશે. જે રીતે ગુજરાતના દરિયાઈ ક્ષેત્રે ઔધોગિક વિકાસ માટે તૈયારી ચાલી રહી છે, તે જોતાં લાગે છે કે, આગામી દિવસોમાં દીનદયાળ પોર્ટ કંડલા દરિયાઈ વ્યાપાર ક્ષેત્રે ગુજરાતના વિકાસનું હબ બનશે. 

આ પત્રકાર પરિષદમાં ચીફ એન્જનિયર મુર્ગાદાસ, રવીન્દ્ર રેડ્ડી, કૃપાનંદ સ્વામી ઉપરાંત ફર્નિચર પાર્ક માટે એમઓયુ કરનાર કંડલા ટીંબર એસો.ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા પોર્ટ પ્રવકતા ઓમપ્રકાશ દાદલાણીએ સંભાળી હતી.

(11:37 am IST)