Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

લીંબડીના ચકચારી છેતરપિંડી કેસમાં ચીફ કોર્ટનો ચુકાદો કાયમી રાખતી એડિશનલ સેશન્‍સ કોર્ટ

ફળ વિદેશમાં નિકાસ કરવાનું કહી રૂ. ૬.૯૮ લાખની છેતરપિંડી આચરી હતી : વર્ષ ૨૦૧૭માં ચીફ કોર્ટે ૨ આરોપીઓને ૩.૫ વર્ષની સજા ફટકારી હતી

 (ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ,તા.૨૫ : સુરેન્‍દ્રનગર જિલ્લાના લીંબ શહેરમાં રહેતા ફળના વેપારીને ફળ વિદેશમાં નિકાસ કરવાનું કહી વડોદરાના શખ્‍શ વર્ષ ૨૦૦૩માં છેતરપિંડી આચર્યાની ફરિયાદ લીંબડી પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં ચીફ કોર્ટે ૨ આરોપીઓને વર્ષ ૨૦૧૭માં ૩. ૫ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. આ હુકમથી નારાજ થઈને આરોપીઓએ એડીશનલ સેશન્‍સ કેસમાં કેસ કરતા એડીશનલ સેશન્‍સ કોર્ટે ચીફ કોર્ટનો ચૂકાદો માન્‍ય રાખ્‍યો છે.

 લીંબડીમાં રહેતા ગંગારામભાઈ સુખાભાઈ દલવાડીને વિદેશમાં ફળ નીકાસ કરવાનું કહીને વડોદરાની પંચવટી સોસાયટીમાં રહેતા અજય રમણીકભાઈ શ્રીમાળી અને દેવજીભાઈ કાનજીભાઈએ છેતરપીંડી કરી હતી. જેમાં ગંગારામભાઈએ રૂપીયા ૬,૯૮,૬૦૦ બન્ને આરોપીઓને આપ્‍યા હતા. આ બનાવની ફરીયાદ વર્ષ ૨૦૦૩માં લીંબડી પોલીસ મથકે નોંધાઈ હતી. આ

 અંગેનો કેસ તા. ૧૭-૧-૧૭ના રોજ ચાલી જતા લીંબડી ચીફ જયુડીશીયલ કોર્ટે બન્ને આરોપીઓને તકસીરવાન ઠેરવી ૩ વર્ષ અને ૬ માસની સજા તથા રૂપીયા ૧ હજારનો દંડ કર્યો હતો. ચીફ કોર્ટના આ ચુકાદાથી નારાજ થઈને બન્ને આરોપીએ લીંબડી ત્રીજા એડીશનલ સેશન્‍સ કોર્ટમાં તા. ૯-૧-૨૦૧૭ના રોજ કેસ દાખલ કર્યો હતો. આ કેસ ચાલવા દરમીયાન દેવજીભાઈ કાનજીભાઈનું અવસાન થતા તેમને એબેટ કરાયા હતા. જયારે

 આ અંગેનો કેસ તાજેતરમાં લીંબડી ત્રીજા એડીશનલ સેશન્‍સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ વાય.જે. યાજ્ઞીકની દલીલો, ૪ મૌખીક અને ૯ દસ્‍તાવેજી પુરાવાના આધારે એડીશનલ સેશન્‍સ કોર્ટના જજ એમ.કે.ચૌહાણે આરોપી અજય રમણીકભાઈ શ્રીમાળીને ચીફ કોર્ટે ફટકારેલી સજા કાયમ રાખતો ચૂકાદો આપ્‍યો છે. જેમાં અજય શ્રીમાળીને ૩ વર્ષ અને ૬ માસની સજા તથા રૂપીયા ૧ હજારનો દંડ ફટકારાયો છે.

(2:49 pm IST)