Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

જસદણ ખાતે ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરાનો અભિવાદન સમારોહ યોજાયોઃ ત્રણ કેબીનેટ મંત્રીની ઉપસ્થિતિ

જસદણ ખાતે ડો. ભરતભાઇ બોઘરાના સન્માન સમારંભની તસ્વીર ઝલક (તસ્વીર : વિજય વસાણી (આટકોટ) ધર્મેશ કલ્યાણી (જસદણ)

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. રપ :.. ગઇકાલે જસદણના આટકોટ રોડ ઉપર જીનીંગ ફેકટરીમાં જસદણનાં પૂર્વ ધારાસભ્ય અને સરદાર જળ સંચય યોજનાના  પૂર્વ ચેરમેન ડો. ભરતભાઇ બોઘરાને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બનાવ્યા તેની ખુશીમાં ત્રણ કેબીનેટ મંત્રીની ઉપસ્થિતીમાં અભિવાદન સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે જસદણ-વિંછીયા તાલુકામાંથી ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરોની હાજરીમાં જસદણ સ્વામીનારાયણ મંદિરનાં સંતોની હાજરીમાં દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સ્વામીનારાયણ મંદિરનાં સંત ધર્મનંદન સ્વામી દ્વારા આશીર્વચનમાં તેમણે જણાવ્યું હતું કે ડો. બોઘરા રાજકોટ ગુરૂકુળનાં વિદ્યાર્થી રહ્યા બાદ આજે ઉચ્ચ સ્થાને બીરાજયા હોય અમો ગૌરવની લાગણી અનુભવીએ છીએ.

ત્યારબાદ કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે હુ અને ડો. ભરતભાઇ બોઘરા સાથે રહીને આ વિસ્તારના વિકાસનાં કાર્યો આગળ વધારી આ વિસ્તારમાં વધુમાં વધુ સરકારની યોજનાનો લાભ અપાવીશું.

તેમણે જણાવ્યું હતું કે ર૦૦૯ માં જયારે રાજકોટનાં સાંસદ તરીકે મે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી ત્યારે ડો. બોઘરા જ ચૂંટણી ઇન્ચાર્જ રહ્યા હતાં.

જો કે આજે આ બંને આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય ગયા છે.

કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ પણ ડો. બોઘરા અને તેઓ વડોદરાની એમ. એસ. યુનિ.માં સાથે અભ્યાસ કરતા હોવાનું યાદ કરી ડો. ભરત બોઘરાએ વ્યવસાયિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે ખુબ જ નામના પ્રાપ્ત કરી હોય આગામી સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા હાકલ કરી હતી.

કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વિસ્તારને સરકારમાં કેબીનેટ મંત્રી અને પ્રદેશ ભાજપનું ઉપાધ્યક્ષ પદ મળ્યુ છે ત્યારે ડો. બોઘરા અને બાવળીયા સાહેબ એક - બીજાના પુરક રહી આ વિસ્તારનાં લોકોની સુખાકારી માટે યોગ્ય કરી આગળ વધે તેવી શુભ-કામનાઓ આપી હતી.

જીલ્લા ભાજપનાં પ્રભારી પ્રકાશભઇ સોનીએ જણાવ્યુ હતું કે ડો. બોઘરાનાં સન્માન સાથે તેમના કરેલા કાર્યોનું પણ અજે સન્માન થયું છે.

ડો. ભરતભાઇ બોઘરા દ્વારા કરવામાં આવેલા લાગણી ભર્યા સંદેશામાં સૌનો આભાર માનતા જણાવ્યું હતું કે આ સન્માન મારૂ નહી પરંતુ આ પંથકના લોકોનું છે. હુ હજુ પણ ગમે તેટલા મોટા હોદા ઉપર રહીશ તો પણ હુ જસદણ-વિંછીયા વિસ્તારના લોકોને ભુલીશ નહી અને આ વિસ્તારના લોકોનાં કાર્યો હંમેશા કરતો રહીશ. તેમણે આટકોટમાં નવી આકાર લઇ રહેલ હોસ્પિટલ પણ ટૂંક સમયમાં ચાલુ થઇ જશે જેથી આ વિસ્તારને આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ મળશે.

આ પ્રસંગે સ્વામીનારાયણ મંદિરના ધર્મનંદન સ્વામી, ઘેલા સોમનાથ મંદિરના મહંત વિક્રમગીરી, જસદણ દરબાર સત્યજીતકુમાર ખાચર, જીલ્લા ભાજપના મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, જીલ્લા ભાજપના આગેવાન ચેતનભાઇ રામાણી, જસદણ યાર્ડના ચેરમેન અરવિંદભાઇ તાગડીયા, જસદણ પાલિકાના પ્રમુખ અનિતાબેન રૂપારેલીયા, અશોકભાઇ મહેતા, તાલુકા ભાજપ પ્રભારી હરેશભાઇ હેરભા, યાર્ડના ડીરેકટર અશોકભાઇ ચાંવ, તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઇ રામાણી, યુવા ભાજપ પ્રમુખ વિજય રાઠોડ, પાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞેશ હીરપરા, અનિલભાઇ મકાણી, પાલિકાના સભ્યો નરેશ ચોહલીયા, સોનલબેન વસાણી, બીજલ ભંસજાળીયા સહિત તાલુકાના સરપંચો, તાલુકા અને જીલ્લા પંચાયતના સદસ્યો સહિત ભાજપના  આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતો.

આ પ્રસંગે ઉપસ્થિત મોટા ભાગની લોકોએ કોરોનાની એસી-તેસી કરી  સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા અને માસ્ક વગર આંટાફેરા કર્યા હતાં.

કાર્યક્રમ પત્યા બાદ જસદણ ભાજપનાં જુના જોગી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સહ પાઠી ગજેન્દ્રભાઇ રામાણી ે જેમણે ડો. બોઘરા સાથેના વિવાદોથી ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી હતી તેઓએ તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતું તેમના કારખાને કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ શુભેચ્છા મુલાકાતે ગયા હતાં ત્યાં સંભવીત આગામી સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં ફરી ગજેન્દ્રભાઇ રામાણીને ભાજપમાં લઇ તેમની સેવા અને અનુભવ લેવા ચર્ચા થઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

(12:50 pm IST)