Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

જેતપુરમાં સ્કીમ ચલાવતી પેઢીએ તાળા મારી દેતા અનેક લોકોના રૂપિયા ફસાયા

છેતરપીંડીનો ભોગ બનનારાઓએ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાને રજૂઆત કરીઃ પોલીસ ફરીયાદની તજવીજ

જેતપુર, તા. ૨૫ :. શહેરમાં હપ્તાની સ્કીમથી મોટર સાયકલ આપતી ફાયનાન્સ પેઢીએ એકાએક શટર પાડી તાળુ મારી દેતા ગ્રાહકોના કરોડો રૂપિયા ફસાતા અને સંચાલકનો ફોન બંધ આવતા ઉહાપોહ મચી ગયો છે.

અત્રેના ફુલવાડી રોડ વિસ્તારમાં દિપ ગ્રુપ નામની હપ્તેથી ફાયનાન્સ કરી મોટર સાયકલ આપતી પેઢીએ સ્કીમ બનાવી લોકોને તેમા જોડેલ જેમાં દર મહિને ડ્રો કરવામાં આવે અને તેમને મોટર સાયકલ આપવામાં આવતી આ પેઢીના સંચાલકે થોડા દિવસો પહેલા કોઈ કારણોસર એકાએક પેઢીને તાળુ મારી દઈ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હોય ગ્રાહકોએ તેમને ફોન કરતા અને શટર બંધ જોતા છેતરાયા હોવાની રાવ ઉઠી હતી. આ બાબતે દિપ છેતરપીંડી નામનુ એક વોટસએપ ગ્રુપ તૈયાર કરવામાં આવેલ. જેમાં આ ગ્રાહકો જોડાયા અને ગઈકાલે પોતાના ફસાયેલ રૂપીયા બાબતે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાને રજૂઆત કરવા ગયેલ ત્યારે તેમણે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પોલીસમાં ફરીયાદ દાખલ કરાવવા જણાવેલ. જેથી સાંજે આગોતરા ખેલ, ગ્રાહકોનું ટોળુ શહેર પોલીસ સ્ટેશને ધસી ગયેલ અને પોલીસે તમામને સાંભળી ફરીયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

(12:52 pm IST)